Last Updated on by Sampurna Samachar
ટ્રેનમાં અચાનક આગ ભભૂકતાં દોડધામ મચી હતી
શૌચાલયના ડસ્ટબિનમાં લાગી હતી આગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહારાષ્ટ્રના પુણેથી દોડાવવામાં આવી રહેલી ડીઝલ ઈલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ (DEMU) શટલ ટ્રેનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા મુસાફરોમાં ભાગદોડ મચી ગઈ હતી. આ ઘટના તે સમયે બની જ્યારે ટ્રેન તેના નિર્ધારિત માર્ગ પર હતી અને તેમાં અચાનક આગ લાગી હતી. જે બાદ ટ્રેનના ડબ્બામાં ધુમાડો જોઈને ટ્રેનમાં સવાર મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા અને ચીસાચીસો પાડવા લાગ્યા હતા.

મળતી માહિતી અનુસાર, આ આગ ટ્રેનના શૌચાલયમાં લાગી હતી. આ કારણે એક વ્યક્તિ શૌચાલયમાં જ ફસાઈ ગઈ હતી, કારણ કે શૌચાલયનો દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો. જોકે, કેટલાક મુસાફરોએ હિંમત બતાવીને શૌચાલયનો દરવાજો તોડી નાખ્યો હતો અને અંદર ફસાયેલી વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢી, જેથી તેનો જીવ બચી ગયો.
ટ્રેનમાં ધૂમ્રપાન ન કરવા કરી અપીલ
આ ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસના અધિકારીઓ અને રેલવેના અધિકારીઓ દોડી આવ્યા હતા. રેલવે પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, આગ શૌચાલયના ડસ્ટબિનમાં લાગી હતી, જેમાં કચરાની સાથે કાગળો હતા.
તપાસમાં સામે આવ્યું છે કે ટ્રેનમાં મુસાફરી કરી રહેલો મધ્ય પ્રદેશનો એક શખ્સ કથિત રીતે બીડી પીને તેને ડસ્ટબિનમાં ફેંકીને ચાલ્યો ગયો હતો, જેના કારણે ડસ્ટબિનમાં આગ લાગી હતી.
રેલવે પ્રવક્તના જણાવ્યા અનુસાર, આ મામલે ૫૫ વર્ષીય વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. ડસ્ટબિનમાં આગ લાગતા ધુમાડો ટ્રેનના ડબ્બા સુધી પહોંચી ગયો હતો, જેના કારણે મુસાફરોમાં અફરા-તફરી મચી ગઈ હતી, પરંતુ ટ્રેનમાં વધારે ભીડ ન હોવાથી સ્થિતિ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
ફાયર બ્રિગેડ અને રેલવે અધિકારીઓએ તાત્કાલિક આગ પર કાબૂ મેળવતા એક મોટી દુર્ઘટના ટળી હતી. રેલવે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. રેલવેએ મુસાફરોને અપીલ કરી છે કોઈ ટ્રેનમાં ધૂમ્રપાન ન કરે, જેથી આ પ્રકારની ઘટનાઓ ફરી ન બને.