Last Updated on by Sampurna Samachar
એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળતાં હાશકારો
આ વિમાનમાં ૨૪૨ હજયાત્રીઓ હતા સવાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
લખનઉ એરપોર્ટ પર અમૌસી એરપોર્ટ પર પ્લેનના પૈડામાં આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા હતા. સવારે લેન્ડિંગ બાદ ટેક્સી વે પર જતી વખતે સાઉદી અરેબિયા એરલાઈન્સના વિમાનના ડાબા પૈડામાંથી ચિંગારી અને ખુબ ધૂમાડો જોવા મળ્યો હતો. આ વિમાન સાઉદી અરેબિયાના જેદ્દાહથી હજયાત્રીઓને લઈને પાછું ફર્યું હતું. ચિંગારી જોતા જ પાઈલોટે એર ટ્રાફિક કંટ્રોલરને જાણ કરી હતી. ત્યારબાદ અફરાતફરી મચતા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સ્થિતિ કાબૂમાં લીધી હતી.

જ્યારે આગ પર કાબૂ મેળવી લેવાયો ત્યારે તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવાયા હતા. મળતી માહિતી મુજબ સાઉદી અરેબિયા એરલાઈન્સનું વિમાન SV ૩૧૧૨ એ રાતે લગભગ ૧૧.૩૦ કલાકે જેદ્દાહ એરપોર્ટથી ઉડાણ ભરી હતી. આ વિમાનમાં ૨૪૨ હજયાત્રીઓ હતા. આ વિમાન બીજા દિવસે સવારે લગભગ ૬.૩૦ વાગે અમૌસી એરપોર્ટ પહોંચ્યુ હતું.
વિમાનમાં કેટલીક ટેક્નિકલ ખામી આવી
સૂત્રોના જણાવ્યાં મુજબ રનવે પર લેન્ડિંગ બાદ વિમાન ટેક્સી વે પર આવી રહ્યું હતું. ત્યારે તેના ડાબા પૈડા પાસેથી ધુમાડા સાથે ચિંગારી ઉઠવા લાગી હતી. આ જોઈને પાઈલોટે એર ટ્રાફિક કંટ્રોલરને જાણ કરી. ત્યારબાદ એરપોર્ટ પર હાજર ફાયર સેફ્ટી ટીમ ઘટના સ્થળે પહોંચી. ફોમ અને પાણી ફેંકીને ૨૦ મિનિટમાં સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. આ દરમિયાન મુસાફરો વિમાનની અંદર જ હતા. મુસાફરોને જ્યારે આ વાતની જાણ થઈ તો તેઓ દહેશતમાં આવી ગયા હતા. સ્થિતિ પર કાબૂ મેળવ્યા બાદ વિમાનને પુશ બેક કરીને ટેક્સી વે પર લઈ જવાયું.
યાત્રીઓને સુરક્ષિત રીતે પ્લેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા. ત્યારબાદ એન્જિનિયરોની એક ટીમ વિમાનમાં આવેલી ખરાબી દૂર કરવામાં લાગી. પરંતુ મોડી સાંજ સુધી ખરાબી દૂર થઈ શકે નહતી. સૂત્રોના જણાવ્યાં મુજબ રનવે પર વિમાનના ઉતરવા દરમિયાન ડાબી બાજુના પૈડામાં ખામી આવી ગઈ હતી. એવું કહેવાય છે કે હાઈડ્રોલિક સિસ્ટમમાં લીકેજના કારણે આવું થયું. આ કારણે પૈડામાંથી ખુબ ધુમાડા સાથે ચિંગારી ઉઠવા લાગી.
એરપોર્ટ પ્રવક્તાનું માનીએ તો વિમાનમાં કેટલીક ટેક્નિકલ ખામી આવી હતી. એન્જિનિયરોની ટીમ તેને ઠીક કરી રહી છે. હજયાત્રીઓની વાપસી દરમિયાન સાઉદી અરેબિયા એરલાઈન્સનું વિમાન જેદ્દાહથી મુસાફરોને લઈને લખનઉ આવે છે. અહીંથી વિમાન ખાલી જાય છે. ખરાબી દૂર થતા જ વિમાનને પાછું જેદ્દાહ રવાના કરાશે.