Last Updated on by Sampurna Samachar
શહેરમાં અઠવાડિયાથી આગના બનાવોમાં વધારો જોવા મળ્યો
આગ લાગતાં જનતામાં ભયનો માહોલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી આગ લાગવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ખાસ કરીને ગત એક અઠવાડિયામાં આગના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું જોવા મળી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં વધુ એક મોટી આગની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ સુરતના અડાજણ વિસ્તારમાં આગની એક ગંભીર ઘટના બની હતી, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આગની લપેટો અને ધુમાડા દૂર સુધી જોવા મળતાં લોકોમાં દહેશત વ્યાપી ગઈ હતી. વધતી જતી આગની ઘટનાઓને લઈ શહેરની સલામતી વ્યવસ્થા અને ફાયર વિભાગની તૈયારીઓ અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.
ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા
અડાજણના મધુવન સર્કલ પાસે આવેલા એક ગાદલા બનાવવાના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ઘટનાની મળતી માહિતી અનુસાર, શહેરના અડાજણ મધુવન સર્કલ પાસે સ્થિત ગાદલાના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. ગાદલામાં વપરાતું મટીરિયલ અત્યંત જ્વલનશીલ હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જાેવા મળતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ગોડાઉનમાં કામ કરતા લોકો અને આસપાસના રહીશોમાં આગને પગલે ભારે દોડધામ મચી ગઈ હતી.