Last Updated on by Sampurna Samachar
આગ લાગવાની ઘટના સમારોહ સ્થળ બ્લ્યૂ જોનમાં ઘટી
ભારતના પર્યાવરણ મંત્રી પણ હતા હાજર
(સંપૂર્ણ સમાચાર સેવા)
બ્રાઝિલના બેલેમ શહેરમાં ચાલી રહેલી કોપ-૩૦ જળવાયુ શિખર સંમેલનમાં મોટી દુર્ઘટના ટળી છે. જળવાયુ શિખર સંમેલનના મુખ્ય સ્થળ પર અચાનક આગ ભડકી ઉઠી. આગ લાગ્યા બાદ ફેલાયેલા ધૂમાડા અને આગના ગોળાઓના લીધે ૧૩ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. રાહતની વાત એ રહી કે કોઈને પણ ગંભીર મુશ્કેલી થઈ નહીં અને આગ ભડકતા પહેલા જ લોકોને બહાર કાઢી લેવાયા હતા. આગ લાગ્યા બાદ હજારો લોકોને સ્થળ પરથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

રિપોર્ટ મુજબ સંમેલનમાં આગ લાગવાની ઘટના સમારોહ સ્થળ બ્લ્યૂ જોનમાં ઘટી. અહીં મીડિયા સેન્ટર અને મુખ્ય પ્લેનરી હોલ સહિત ઉચ્ચ સ્તરીય ગણમાન્ય વ્યક્તિઓના કાર્યાલય છે. આગ લાગ્યા બાદ લોકો સુરક્ષા કારણોસર બહાર નીકળી ગયા. આયોજન સમિતિએ કહ્યું કે તમામ ઘાયલોને તબીબી સારવાર અપાઈ રહી છે.
જનરેટરમાં ખરાબી કે બૂથમાં શોર્ટ સર્કિટથી આગ લાગી શકે
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ પણ કાર્યસ્થળ પર હાજર હતા. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા વિભાગના કર્મચારીઓ દ્વારા તરત તેમને ત્યાંથી સુરક્ષિત જગ્યાએ લઈ જવાયા. ભારતના પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ભારતીય પ્રતિનિધિમંડળ પણ આગ લાગી તે સમયે બ્લ્યૂ જોનની અંદર હતા. જાે કે તેઓ આગ ભડકી ઉઠી તે પહેલા જ સુરક્ષિત રીતે બહાર આવી ગયા હતા.
કોન્ફરન્સનું આયોજન જોઈ રહેલા અધિકારીઓએ કહ્યું કે ધૂમાડામાં શ્વાસ લેવાના કારણે ૧૩ લોકોને સારવારની જરૂર પડી. ઓર્ગેનાઈઝરે કહ્યું કે આગ પર છ મિનિટની અંદર કાબૂ મેળવી લેવાયો હતો. જોકે આ ઘટનાને પગલે COP30 કોન્ફરન્સની સંપૂર્ણ સાઈટને ખાલી કરાવવી પડી અને આગ લાગ્યા બાદ વેન્યૂ સાત કલાક સુધી બંધ રહ્યું.
બ્રાઝિલના ટુરિઝમ મિનિસ્ટર સેલ્સો સબિનોએ કહ્યું કે, આગ ચાઈના પેવેલિયન પાસે લાગી હતી, જે ક્લાઈમેટ ટોક દરમિયાન થનારા ઈવેન્ટ્સ માટે બનાવવામાં આવેલા અનેક પેવેલિયનોમાંથી એક હતું. વીડિયો ફૂટેજમાં આફ્રિકાના અનેક પેવેલિયન અને ક્લાઈમેટ લાઈવ એન્ટરટેઈન્મેન્ટ કલ્ચર પેવેલિયન પાસે એક દીવાલ પાસેથી આગ લાગતી જોવા મળી રહી છે.
ક્લાઈમેટ લાઈવ પેવેલિયનથી સેમ્યુઅલ રૂબિને કહ્યું કે આગ ઝડપથી ફેલાઈ. વીડિયોમાં એક પેવેલિયનમાં મોટી આગની જ્વાળાઓ જોવા મળી રહી છે. આ મજબૂત કેનવાસ કે કપડાના સ્ટ્રક્ચર હોય છે. જેમાં સામાન્ય રીતે ત્રણ દીવાલો અને એક ફર્શ હોય છે. પેરા સ્ટેટના ગવર્નર હેલ્ડર બારબાલ્હોએ કહ્યું કે જનરેટરમાં ખરાબી કે બૂથમાં શોર્ટ સર્કિટથી આગ લાગી શકે છે.