Last Updated on by Sampurna Samachar
પ્રવીણ રામ, રાજુ કરપડા સહિત ૮૫ લોકો સામે ફરિયાદ
બોટાદમાં બબાલ બાદ મોટું એક્શન
(સંપૂર્ણ સમાચાર સેવા)
કડદા પ્રથા સામે ખેડૂતોના વિરોધને પગલે છેલ્લા ત્રણ દિવસથી બંધ યાર્ડ હવે શરૂ થયું છે. આમ આદમી પાર્ટીની યોજાયેલી ખેડૂત મહાપંચાયત દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થતા સમગ્ર પંથકમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. ત્યારે બોટાદમાં બબાલ બાદ મોટું એક્શન લેવાયું છે.
બોટાદના હડદડ ગામે ખેડુતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ સર્જાયું હતું. બોટાદના હડદડ ગામે લોકોએ પોલીસ પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. જેમાં બોટાદ DYSP મહર્ષિ રાવલ, LCB PI એ. જી. સોલંકી સહિત ચારથી વધુ પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી છે. બોટાદમાં પથ્થરમારાની ઘટના બાદ આપના નેતાઓ સામે FIR થઈ છે.
હિંસા કોઈ પણ જગ્યા પર છે તે સ્વીકાર્ય નથી : ઇસુદાન ગઢવી
આપ નેતા પ્રવીણ રામ, રાજુ કરપડા સહિત ૮૫ લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. હત્યાનો પ્રયાસ, ષડયંત્ર અને ગેરકાયદેસર મંડળીનો આરોપ લગાવાયો છે. આ કેસમાં અનેક લોકોની ધરપકડના ભણકારા છે.
હાલ સમગ્ર બોટાદમાં ઘર્ષણ બાદ હાલ સ્થિતિ કાબૂમાં છે. હડદડ ગામે હાલ પરિસ્થિતિ સામાન્ય છે. હડદડ ગામે મસમોટો પોલીસ કાફલો ગોઠવ્યો અને ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. હડદડ ગામે ખેડુતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું તેમા મોટાભાગના ગામ બહારના લોકો હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. સ્થાનિક આગેવાન મયુરભાઈ જમોડે કહ્યું કે, પોલીસે ગામના કેટલાક નિર્દોષ લોકોને માર મારીને પકડ્યા છે તે વ્યાજબી નથી.
પોલીસે જે પણ નિર્દોષ લોકોને પકડયા છે તેને છોડવામાં આવે તેવી આગેવાને માંગ કરી. સમગ્ર મામલે આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ કહ્યું કે, ૨૫૦ જેટલા લોકોની ધરપકડ કરી છે જેમને પાણી કે જમવાનું નથી અપાયું. આ હદે અત્યાચાર કરશો. આ નિમ્ન કક્ષાની રાજનીતિથી લોકોમાં રોષ છે. પોલીસને કહેવા માગું છું કે ભાજપના ઈશારે ક્યાં સુધી ચાલશો. હજારો પોલીસ કર્મચારી ગામડે ગામડે ગોઠવી દીધા છે. હિંસા કોઈ પણ જગ્યા પર છે તે સ્વીકાર્ય નથી.
પાર્ટી ૧૦૦ ની ટીમ બનાવી જઇ વિરોધ કરશે. વેપારીઓને વિનંતી કે કૌભાંડ થાય તો જાણ કરે અમે નંબર જાહેર કરીશું. આજે અમે આ ઘટનાને લઈને કાળી પટ્ટી બાંધી કાળો દિવસ તરીકે ઉજવી રહ્યા છે. ખેડૂતો પર ગોળીબાર, ટીયરગેસ છોડશો એ નહિ ચાલે. અમે ૯૧૦૪૯૧૮૧૯૬ હેલ્પલાઈન નંબર જાહેર કરીએ છીએ. કોઈ પણ અત્યાચાર હોય આ નંબર પર સંપર્ક કરે. અમે જેલ જવા પણ તૈયાર છીએ. બોટાદના હડદડ ગામે સ્થિતિ વણસ્યા બાદ પોલીસે રૂટિન ચેકીંગ હાથ ધર્યું હતું.