Last Updated on by Sampurna Samachar
હોસ્પિટલની સુરક્ષા ધારાસભ્યથી જોખમમાં હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ
મહિલા ડૉકટરે કેસ દાખલ કરાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ-કાશ્મીરના એકમાત્ર આપ ધારાસભ્ય અને રાજ્યમાં પાર્ટીના વડા મેહરાજ મલિક વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી છે. તેમના પર મહિલા ડોક્ટરનું અપમાન કરવાનો અને ધમકી આપવાનો આરોપ છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં મેહરાજ મલિક ડોડા બેઠક પરથી જીત્યા હતા. ફરિયાદ કરનાર મહિલા મેડિકલ કોલેજની એસોસિયેટ પ્રોફેસર છે. તેમનો આરોપ છે કે ધારાસભ્યએ તેમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ધમકી આપી હતી અને અપમાનજનક શબ્દો લખ્યા હતા.
ડોક્ટરે ડોડા પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તેમણે ફરિયાદમાં એમ પણ કહ્યું હતું કે હોસ્પિટલની સુરક્ષા ધારાસભ્યથી જોખમમાં છે. ઉલ્લેખનીય છે કે આ વિધાનસભા ચૂંટણીમાં મેહરાજ મલિકે ડોડા બેઠક પરથી ભાજપના ઉમેદવારને ૪૫૦૦ મતોથી હરાવ્યા હતા.
૨૦૨૪ ની લોકસભા ચૂંટણી લડી
મેહરાજ મલિક ધારાસભ્ય બનતા પહેલા જિલ્લા વિકાસ પરિષદના સભ્ય હતા. ૨૦૨૧માં તેમણે ચૂંટણી જીતી હતી. તેમને ડોડા વિધાનસભા બેઠક પર લોકપ્રિય નેતા માનવામાં આવે છે. ૨૦૨૨ માં, મેહરાજ મલિકે ડોડામાં એક મોટી રેલી યોજી હતી. ચૂંટણી સોગંદનામા મુજબ, તેમની પાસે ફક્ત ૨૯ હજાર રૂપિયાની સંપત્તિ છે.
આ ઉપરાંત, તેમની સામે અગાઉ કોઈ ફોજદારી કેસ નોંધાયેલા નહોતા. તેમની ગણતરી સુશિક્ષિત નેતાઓમાં થાય છે. ૨૦૨૪ ની લોકસભા ચૂંટણીમાં, મેહરાજ મલિકે ઉધમપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સાત ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું. જોકે, ફક્ત મેહરાજ મલિક જ જીત્યા હતા.