Last Updated on by Sampurna Samachar
સટ્ટાબાજી એપ કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ
આ APP દ્વારા હજારો કરોડો રૂપિયાના થયા ટ્રાન્ઝેક્શન
(સંપૂર્ણ સમાચાર સેવા)
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેલંગાણાના ૨૯ જાણીતા ફિલ્મ અભિનેતાઓ, યુટ્યુબર્સ અને ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર્સ સામે મોટી કાર્યવાહી કરી છે. આ તમામને ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્સનું પ્રમોશન કરવા બદલ કાયદાના સકંજામાં લેવામાં આવ્યા છે.
જેની પર કાર્યવાહી કરવામાં આવેલ તેમની યાદીમાં ફિલ્મ જગતના મોટા નામો જેવા કે વિજય દેવરકોંડા, રાણા દગ્ગુબાતી, પ્રકાશ રાજ, મંચુ લક્ષ્મી, નિધિ અગ્રવાલ, પ્રણીતા સુભાષ, અનન્યા નાગલ્લા, એન્કર શ્રીમુખી, યુટ્યુબર હર્ષા સાઈ, બય્યા સની યાદવ અને લોકલ બોય નાની જેવા ઘણા લોકપ્રિય ચહેરાઓનો સમાવેશ થાય છે.
સાયબરાબાદ પોલીસે ૧૯ માર્ચ 2025 એ નોંધી હતી FIR
તેમના પર સટ્ટાબાજી એપ કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે. જેમાં હૈદરાબાદ સાયબરાબાદ પોલીસની FIR ના આધારે ED એ કેસ નોંધ્યો છે અને તપાસમાં સામેલ ફિલ્મ સ્ટાર્સની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલાની શરૂઆત મિયાપુરના એક બિઝનેસમેન ફણિન્દ્ર શર્માની ફરિયાદથી થઈ હતી. તેમણે એવો આરોપ લગાવ્યો હતો કે ઘણા જાણીતા ફિલ્મ કલાકારો અને સોશિયલ મીડિયા સ્ટાર્સ લોકોને સટ્ટાબાજીની એપ્સ તરફ આકર્ષી રહ્યા છે.
આવા એપ્સના કારણે મધ્યમ વર્ગ અને નિમ્ન-મધ્યમ વર્ગના પરિવારોને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ ફરિયાદના આધારે, સાયબરાબાદ પોલીસે ૧૯ માર્ચ, ૨૦૨૫ ના રોજ ૨૯ સેલિબ્રિટી વિરુદ્ધ FIR નોંધી હતી. ED એ આ સમગ્ર કેસમાં PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ ECIR (એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ) દાખલ કરી છે.
ED હાલમાં આ મામલામાં સેલિબ્રિટીએ કેટલી ફીમાં પ્રમોશન કર્યું, ચુકવણી કેવી રીતે થઈ અને તેમની ટેક્સ વિગતો શું છે વગેરે જેવી તપાસ કરી રહ્યું છે. તપાસમાં એ વાત સામે આવી છે કે આ એપ્સ દ્વારા હજારો કરોડ રૂપિયાના વ્યવહારો થયા છે. આ એપ્સ યુવાનોને ઝડપથી પૈસા કમાવવાની લાલચ આપે છે, પરંતુ પાછળથી લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડે છે. આ મામલે તપાસ ચાલુ છે.
ED ની તપાસમાં એપ્લિકેશન/વેબસાઇટમાં સગીરોને યુઝર તરીકે રજીસ્ટ્રેશન કરાવવાથી રોકવા માટે કોઈ પદ્ધતિ નથી, તેમાં ડ્યુ ડિલિજન્સ (KYC) નો અભાવ છે, ભ્રામક જાહેરાતો દ્વારા નવા યુઝરને આકર્ષે છે અને પરિણામો સંબંધિત અભિપ્રાય ટ્રેડિંગને પ્રોત્સાહન આપે છે.
તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે કંપનીને પ્રેફરન્સ શેર જારી કરવાના બદલામાં મોરેશિયસ, કેમેન આઇલેન્ડ અને અન્ય વિદેશી સંસ્થાઓ પાસેથી ૧૩૪.૮૪ કરોડ રૂપિયા મળ્યા હતા. તપાસ દરમિયાન ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ ડેટા જપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તપાસ દરમિયાન ૨૮૪.૫ કરોડ રૂપિયાના FD અને શેરમાં રોકાણ અને ત્રણ બેન્ક લોકર પણ જપ્ત કરવામાં આવ્યા છે. હજુ તપાસ ચાલી રહી છે.
ED એ હાલમાં તમામ સેલિબ્રિટીઝને સમન્સ મોકલવાની પ્રક્રિયા શરૂ કરી છે. એ પણ તપાસ કરવામાં આવશે કે શું તેઓ સટ્ટાબાજી પ્લેટફોર્મની ગેરકાયદેસરતાથી વાકેફ હતા કે નહીં. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો સેલિબ્રિટીઝ સામેના આરોપો સાચા સાબિત થાય છે, તો મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તેમની સામે કડક કાર્યવાહી થઈ શકે છે. તપાસ હજુ પણ ચાલુ છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે. ED આ કેસમાં તમામ ડિજિટલ પુરાવાઓ મેળવીને તપાસ આગળ ધપાવી રહી છે.