Last Updated on by Sampurna Samachar
લંડનમાં રસ્તા પર માવો ખાઇને થૂંકવું ૨ યુવકોને ભારે પડ્યું!
ભારતીય મૂળના બે વ્યક્તિઓ પર રસ્તા પર પાન થૂંકવા બદલ ૧,૩૦૦ પાઉન્ડથી વધુનો દંડ ફટકાર્યો છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
બ્રિટનની રાજધાની લંડનની એક કાઉન્સિલે ભારતીય મૂળના બે વ્યક્તિઓ પર રસ્તા પર પાન થૂંકવા બદલ ૧,૩૦૦ પાઉન્ડ થી વધુનો દંડ ફટકાર્યો છે. દંડનો સામનો કરનાર આ બે વ્યક્તિઓમાં અક્ષતકુમાર ભાદ્રે પટેલ અને હિતેશ પટેલનો સમાવેશ થાય છે.

બ્રેટ કાઉન્સિલે તાજેતરના સમયમાં રસ્તાઓ પર પાન કે ગુટખા થૂંકવા વિરુદ્ધ સઘન અભિયાન ચલાવ્યું છે. એજવેરમાં રહેતા ૩૧ વર્ષીય અક્ષતકુમાર ભાદ્રે પટેલ પર નોર્થ વેસ્ટ લંડન મેજિસ્ટ્રેટ કોર્ટે ૧,૩૯૧ પાઉન્ડ નો દંડ લગાવ્યો છે. અક્ષતકુમાર કોર્ટમાં સુનાવણી દરમિયાન હાજર રહ્યા નહોતા, તેથી તેમની ગેરહાજરીમાં જ આરોપ સાબિત કરી દેવામાં આવ્યો હતો. તેઓ ૧૧ જૂન, ૨૦૨૫ના રોજ કિંગ્સબરીમાં રસ્તા પર પાન થૂંકતા પકડાયા હતા.
પાનના ડાઘા સાફ કરવા સફાઈ કર્મચારીઓ માટે અત્યંત મુશ્કેલ
સામાન્ય રીતે પાન થૂંકવા બદલ સ્થળ પરનો દંડ ૧૦૦ પાઉન્ડ હોય છે, પરંતુ અક્ષતકુમારે તે ભર્યો નહોતો અને મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટની કાર્યવાહી બાદ આ દંડ વધીને ૧,૩૯૧ પાઉન્ડ થઈ ગયો. આવો જ બીજો કિસ્સો રૂઈસ્લિપમાં રહેતા ૩૨ વર્ષીય હિતેશ પટેલનો છે.
હિતેશ પર પણ તે જ કોર્ટે ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ વેમ્બલી હિલમાં રસ્તા પર પાન થૂંકવા બદલ ૧,૩૯૧ પાઉન્ડનો દંડ ફટકાર્યો છે. અક્ષતની જેમ હિતેશ પણ કોર્ટમાં હાજર થયો નહોતો, જેના કારણે તેની ગેરહાજરીમાં જ સજા સંભળાવવામાં આવી અને દંડની રકમમાં પણ વધારો થયો.
બ્રેટ કાઉન્સિલ પાન થૂંકનારાઓ સામે ખાસ કડક છે કારણ કે પાનના ડાઘા સાફ કરવા સફાઈ કર્મચારીઓ માટે અત્યંત મુશ્કેલ હોય છે. આનાથી શહેરની સુંદરતા અને સ્વચ્છતા બગડે છે. કાઉન્સિલના અધિકારીઓ દરરોજ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરે છે. જો કોઈ વ્યક્તિ સ્થળ પર ૧૦૦ પાઉન્ડનો દંડ નથી ભરતી, તો કાઉન્સિલ તેની સામે કાયદેસરની કાર્યવાહી કરે છે, જેના પરિણામે કોર્ટ દ્વારા લાખોનો દંડ ભરવો પડી શકે છે.