Last Updated on by Sampurna Samachar
ટ્રમ્પ પણ નેતન્યાહૂને નથી આપી રહ્યા સાથ
આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદનો મધપૂડો છંછેડ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મિડિલ ઈસ્ટના દેશોમાં ભારે હડકંપ મચ્યાના સમાચાર છે. ઈઝરાયલે ૨૬ મી ડિસેમ્બરે આફ્રિકાના હોર્ન પ્રદેશમાં સ્થિત સોમાલીલેન્ડને સત્તાવાર રીતે એક સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી દીધી છે. આમ કરનાર ઈઝરાયલ વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. જોકે, ઈઝરાયલના આ સાહસિક પગલાએ મુસ્લિમ દેશોના સંગઠનો અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવાદનો મધપૂડો છંછેડ્યો છે.

ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને સોમાલીલેન્ડના પ્રમુખ અબ્દિરહમાન મોહમ્મદ અબ્દુલ્લાહી વચ્ચે થયેલા કરાર બાદ આ જાહેરાત કરવામાં આવી હતી. સોમાલીલેન્ડ વર્ષ ૧૯૯૧ માં સોમાલિયાથી અલગ થયા બાદ તે આંતરરાષ્ટ્રીય માન્યતા માટે ઝંખતું હતું. સોમાલિયા આ પ્રદેશને પોતાનો અભિન્ન ભાગ માને છે. ઈઝરાયલના આ ર્નિણયને સોમાલિયાની સાર્વભૌમત્વ પરના હુમલા તરીકે જોવામાં આવે છે.
મુસ્લિમ દેશોમાં ઈઝરાયલ વિરોધી સેન્ટિમેન્ટ ફરી મજબૂત થઈ શકે
ઈઝરાયલના આ ર્નિણય સામે જોર્ડન, ઇજિપ્ત, અલ્જેરિયા, કોમોરોસ, જીબુટી, ગામ્બિયા, ઈરાન, ઇરાક, કુવૈત, લિબિયા, માલદીવ, નાઇજીરીયા, ઓમાન, પાકિસ્તાન, પેલેસ્ટાઈન, કતાર, સાઉદી અરેબિયા, સોમાલિયા, સુદાન, તૂર્કિયે અને યમને ઈઝરાયલ સામે વિરોધ વ્યક્ત કર્યો છે.
ઈસ્લામિક સહકાર સંગઠન અને આરબ લીગે ૫ મુખ્ય મુદ્દાઓ સાથે ઈઝરાયલની નિંદા કરી છે
- શાંતિને જોખમ: આ ર્નિણયથી રાતા સાગર અને આફ્રિકાના હોર્ન પ્રદેશમાં અસ્થિરતા વધશે.
- કાયદાનું ઉલ્લંઘન : આ પગલું યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ગંભીર ઉલ્લંઘન છે.
- અખંડિતતાનો ભંગ: કોઈ પણ દેશના ભાગને અલગ માન્યતા આપવી એ તેની પ્રાદેશિક અખંડિતતા પર પ્રહાર છે.
- સોમાલિયાને સમર્થન: તમામ મુસ્લિમ દેશોએ સોમાલિયાની એકતાને સમર્થન આપ્યું છે.
- વિસ્તરણવાદી નીતિ: આ ર્નિણયને ઈઝરાયલની વિસ્તરણવાદી વિચારધારા ગણાવી તેની નિંદા કરાઈ છે.
સામાન્ય રીતે ઈઝરાયલના સમર્થક મનાતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ મુદ્દે નેતન્યાહૂને ઝટકો આપ્યો છે. એક અહેવાલ મુજબ, જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું અમેરિકા પણ સોમાલીલેન્ડને માન્યતા આપશે? ત્યારે તેમણે નકારાત્મક વલણ અપનાવતા કહ્યું કે, અમે આવી કોઈ યોજના ધરાવતા નથી. શું કોઈ ખરેખર જાણે છે કે સોમાલીલેન્ડ શું છે?
ઈઝરાયલના આ પગલાથી આફ્રિકા અને મધ્ય પૂર્વમાં નવા રાજકીય સમીકરણો રચાય તેવી શક્યતા છે. મુસ્લિમ દેશોમાં ઈઝરાયલ વિરોધી સેન્ટિમેન્ટ ફરી મજબૂત થઈ શકે છે, જેની અસર ઈઝરાયલ-હમાસ અને અન્ય પ્રાદેશિક સંઘર્ષો પર પણ પડી શકે છે.