Last Updated on by Sampurna Samachar
૧૨ % થી ૧૮% સ્લેબમાં જતી વસ્તુઓના ભાવ વધી શકે
વર્ષ ૨૦૨૪ માં GST કાઉન્સિલમાં લેવાયો નિર્ણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
હાલ દેશમાં ચાર GST સ્લેબ (૫%, ૧૨%, ૧૮% અને ૨૮%) છે. GST કાઉન્સિલ તરફથી આગામી બેઠકમાં GST સ્લેબને સરળ બનાવવા માટે મોટું પગલું ઉઠાવવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ કાઉન્સિલ ચાર સ્લેબ ઘટાડીને તેના ત્રણ સ્લબ કરવા પર વિચાર કરી રહી છે.

કાઉન્સિલ તરફથી ૧૨% ના દરને હટાવવાનો પ્રસ્તાવ તૈયાર થઈ રહ્યો છે. આ પગલું ટેક્સ સ્ટ્રક્ચરને સરળ બનાવવા માટે ઉઠાવવામાં આવે તેવી આશા છે. સૂત્રોનો દાવો છે કે GST કાઉન્સિલના સલાહકાર અધિકારીઓ વચ્ચે આ વાત પર લગભગ સહમતિ બની ચૂકી છે કે ૧૨% સ્લેબ હવે વધુ પ્રાસંગિક નથી.
મે ૨૦૨૫માં પણ ૨,૦૧,૦૫૦ કરોડ કલેક્શન
એક રિપોર્ટ મુજબ સામાન્ય લોકોના ઉપયોગ માટેની જરૂરી વસ્તુઓને ૫%ના સ્લેબમાં રાખવામાં આવી શકે છે. બાકીની ચીજોને ૧૮%ના સ્લેબમાં શિફ્ટ કરવામાં આવી શકે છે. એક સૂત્રએ જણાવ્યું કે “આ રેવન્યૂને પ્રભાવિત કર્યા વગર ટેક્સ દરોને સરળ બનાવવાની સૌથી સારી રીત હોઈ શકે છે. જોકે તેના પર કોઈ પણ પ્રકારનો અંતિમ ર્નિણય GST કાઉન્સિલ તરફથી લેવાશે.” GST કાઉન્સિલની આગામી બેઠક જૂનના અંતમાં કે જુલાઈમાં થઈ શકે છે. GST કાઉન્સિલમાં કેન્દ્રીય નાણા મંત્રી અને રાજ્યોના નાણા મંત્રી સામેલ થાય છે. છેલ્લે આ બેઠક ડિસેમ્બર ૨૦૨૪માં થઈ હતી.
હાલ દેશમાં ચાર GST સ્લેબ ૫%, ૧૨%, ૧૮% અને ૨૮% છે. હાલ જરૂરીયાતની વસ્તુઓ પર ઓછો ટેક્સ અને મોજશોખની વસ્તુઓ પર વધુ ટેક્સ રખાય છે. ગરીબો માટે પેક કર્યા વગરના ખાદ્ય પદાર્થો, દૂધ, મીઠું, તાજા શાકભાજી, શિક્ષણ અને હેલ્થ સર્વિસીસ પર કોઈ પણ પ્રકારના ટેક્સ નથી.
૧૨ ટકાના ટેક્સ સ્લેબમાં આવતી વસ્તુઓ
– વધુ ફેટનું દૂધ, કેવિયાર, ૨૦ લીટરની બોટલમાં પેક પાણી – વોકી ટોકી, ટેંક અને બખ્તરબંધ વાહનો, કોન્ટેક્ટ લેન્સ
– પનીર, ખજૂર, સુકામેવા, સોસ
– પાસ્તા, જેમ, જેલી, ફળોના રસોના પીણા, નમકીન
– દાંતનો પાઉડર, ફીડિંગ બોટલ, ગાલીચા, છત્રી, ટોપી
– સાઈકલ, ઘરેલુ વાસણો, લાકડી કે વાંસના ફર્નીચર
– પેન્સિલ, ક્રેયોન, જ્યૂટ કે કપાસની બેગો, અને ૧૦૦૦ રૂપિયાથી ઓછી કિંમતના જૂતા
– ડાગ્નોસ્ટિક કિટ, સંગેમરમર, અને ગ્રેનાઈટ બ્લોક
જાણકારોનું કહેવું છે કે ૧૨ ટકા સ્લેબ હટાવવાનો ર્નિણય સારો છે. ઈવાય ઈન્ડિયાના ટેક્સ પાર્ટનર સૌરભ અગ્રવાલે કહ્યું કે આગામી GST કાઉન્સિલની બેઠકમાં ટેક્સ સ્લેબને સરળ બનાવવા પર ફોકસ કરાશે. ૧૨% ના સ્લેબને હટાવીને ત્રણ સ્લેબ કરવાથી કામ સરળ બનશે. આ ફેરફારમાં રેવન્યૂને પ્રભાવિત ન થવા દેવી જરૂરી છે. ૧૨% સ્લેબમાં સામન્ય વ્યક્તિની જરૂરિયાતો અને ઈન્ડસ્ટ્રિયલ સામાન સામેલ છે. તેમને ૫% કે ૧૮% સ્લેબમાં લઈ જવાથી રેવન્યૂ પર અસર પડી શકે છે. ૧૨% થી ૧૮% સ્લેબમાં જતી વસ્તુઓના ભાવ વધી શકે છે.
GST કાઉન્સિલની બેઠકમાં જો ૧૨ ટકાના ટેક્સ સ્લેબને હટાવવાનો ર્નિણય લેવાય તો તેમાં આવનારી વસ્તુઓને ૫ ટકા કે ૧૮ ટકાના સ્લેબમાં શિફ્ટ કરવામાં આવી શકે. ૧૨ થી ૫ ટકાના સ્લેબમાં જનારી વસ્તુઓ જેમ કે મસાલા અને કેરોસિન જેવી વસ્તુઓ સસ્તી થાય તેવી આશા છે. બીજી બાજુ ૧૨ થી ૧૮ ટકાના સ્લેબમાં જનારી વસ્તુઓ જેમ કે ડિટરજન્ટ અને પ્લાસ્ટિકના સામાન મોંઘા થઈ શકે.
અનેક વિકસિત દેશોમાં GST ના એક કે બે સ્લેબ લાગૂ છે. જો ત્રણ ટેક્સ સ્લેબના સ્ટ્રક્ચરને અપનાવવામાં આવે તો ભારત ગ્લોબલ માપદંડોની નજીક પહોંચી શકે છે. જાણકારોનું કહેવું છે કે જીએસટી રેવન્યૂમાં સતત વધારાથી દરોને સરળ કરવાની જરૂર પડી છે.
વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ GST રેવન્યૂ ૯ ટકાથી વધીને ૨૨,૦૮,૮૬૧ કરોડ રૂપિયા થઈ ગઈ. ૨૦૨૩-૨૪માં ૨૦,૧૮,૨૪૯ કરોડ રૂપિયા હતી. હાલના ફાઈનાન્શિયલ યરમાં એપ્રિલ ૨૦૨૫માં રેકોર્ડ ૨,૩૬,૭૧૬ કરોડ રૂપિયાનું કલેક્શન થયું છે. મે ૨૦૨૫માં પણ ૨,૦૧,૦૫૦ કરોડ રૂપિયા રેવન્યૂ આવી. જે અત્યાર સુધીનું ત્રીજુ સૌથી મોટું કલેક્શન છે.