Last Updated on by Sampurna Samachar
PM મોદીએ ૮ મહિના પહેલાં GST માં સુધારાની કરી હતી ચર્ચા
હવે માત્ર બે મુખ્ય સ્લેબ – ૫% અને ૧૮% રાખવાનો ર્નિણય
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગસ્ટના રોજ લાલ કિલ્લા ખાતેથી સ્વતંત્રતા દિવસના અવસરે GST માં સુધારાની જાહેરાત કરી હતી. આનાથી ઘણા લોકોને એવું લાગ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય સામાન પર લાદવામાં આવેલા ટેરિફની અસરથી દેશની અર્થવ્યવસ્થાને બચાવવા માટે જ વડાપ્રધાન મોદીએ આ જાહેરાત કરી. કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણે ખુલાસો કર્યો કે વડાપ્રધાન મોદીએ ૮ મહિના પહેલાં તેમની સાથે થયેલી એક બેઠકમાં GST માં સુધારા અંગે ચર્ચા કરી હતી.
નાણામંત્રી ર્નિમલા સીતારમણે જણાવ્યું કે, GST કાઉન્સિલની બેઠક મુખ્યત્વે બે દિવસ માટે નક્કી કરવામાં આવી હતી, પરંતુ તે એક જ દિવસમાં પૂર્ણ થઈ ગઈ. આવું ત્યારે થયું જ્યારે ઘણા રાજ્યોએ કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ સંભવિત આવકના નુકસાનને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.
નવરાત્રિના પ્રથમ દિવસથી ચાલુ થશે નિયમો
નોંધનીય છે કે, તમાકુ અને તમાકુ સાથે સંકળાયેલી પ્રોડક્ટ્સ સિવાય, GST ના તમામ નવા દરોમાં ફેરફાર ૨૨ સપ્ટેમ્બરથી લાગુ થશે. આ નવરાત્રીના પ્રથમ દિવસથી લાગુ થવા જઈ રહ્યા છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણે જણાવ્યું કે, આ પહેલીવાર છે જ્યારે કેન્દ્ર સરકારે વળતર ઉપકર અને GST પર એક વ્યાપક પ્રસ્તાવ પર વિચાર કર્યો છે.
નાના વ્યવસાયો માટે વેપાર કરવાની સરળ રીત, મધ્યમ વર્ગ, કરદાતાઓ અને દરેક ભારતીય નાગરિકનું કોઈને કોઈ રીતે સન્માન કરવું એ જ આ સુધારાઓનો હેતુ છે. ર્નિમલા સીતારમણે કહ્યું કે, આ સુધારાઓનો ઉદ્દેશ GST દરોમાં ઘટાડો અને સ્લેબ ઘટાડીને સામાન્ય લોકો પર ટેક્સનો બોજ ઘટાડવાનો છે.
તેમણે વધુમાં કહ્યું કે, ‘GST ના દરો ઘટાડવા માટે દોઢ વર્ષ પહેલાં ગ્રૂપ ઑફ મિનિસ્ટર્સની રચના કરવામાં આવી હતી. આ ગ્રૂપમાં કર્ણાટક અને બિહાર જેવા રાજ્યોના મંત્રીઓ સામેલ હતા, જેઓ સતત કામ કરી રહ્યા હતા. અમે ૩૦૦થી વધુ વસ્તુઓ પર દરો ઘટાડ્યા છે અને આ ર્નિણય એક દિવસમાં ન લઈ શકાય. જનતા પરનો બોજ ઓછો કરવા માટે દરેક ચીજ-વસ્તુ પર વારંવાર ચર્ચા કરાઈ હતી, જેમાં સમય લાગ્યો હતો, તેથી તેને ટ્રમ્પના ટેરિફ કે મોંઘવારી દર સાથે જોડી શકાય નહીં.
નોંધનીય છે કે, GST કાઉન્સિલની ૫૬મી બેઠકમાં ૮ વર્ષ જૂની GST સિસ્ટમમાં મહત્ત્વના ફેરફારોને મંજૂરી આપવામાં આવી છે. આ બેઠક ૧૦ કલાક કરતા વધારે સમય સુધી ચાલી હતી. આ બેઠકમાં GST ના હાલના ચાર સ્લેબ (૫%, ૧૨%, ૧૮% અને ૨૮%) ની જગ્યાએ હવે માત્ર બે મુખ્ય સ્લેબ – ૫% અને ૧૮% રાખવાનો ર્નિણય લેવાયો છે.
આ ઉપરાંત ખૂબ મોંઘી વસ્તુઓ, તમાકુ અને હાનિકારક વસ્તુઓ પર ૪૦%નો ખાસ ટેક્સ લાગશે. આ નવા નિયમો ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫ (નવરાત્રિના પ્રથમ દિવસ) થી લાગુ થશે. જોકે, તમાકુ અને તેની સાથે સંકળાયેલી પ્રોડક્ટ્સ પર આ ફેરફારો બાદમાં અમલમાં આવશે.