Last Updated on by Sampurna Samachar
હું રાજાની હત્યાના પ્લાનિંગમાં સામેલ હતી
શિલોંગ પોલીસે સોનમ અને પ્રેમી રાજ કુશવાહની કરાઇ હતી મુલાકાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસમાં પત્ની સોનમ રઘુવંશીએ હત્યાના કાવતરામાં સામેલ હોવાની કબૂલાત કરી દીધી છે. સદર પોલીસ સ્ટેશનમાં SIT પૂછપરછ દરમિયાન સોનમે કબૂલ્યું કે, હું રાજાની હત્યાના પ્લાનિંગમાં સામેલ હતી.
સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર શિલોંગ પોલીસે સોનમની પુછપરછ શરૂ કરી હતી. આ દરમિયાન રાજા રઘુવંશી હત્યાકાંડનો માસ્ટરમાઈન્ડ અને સોનમનો પ્રેમી રાજ કુશવાહ પણ હાજર હતો. જયારે શિલોંગ પોલીસે સોનમને રાજા વિષે પૂછ્યું તો તેણે પહેલા તો પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું હતું. પરંતુ બાદમાં પોલીસ દ્વારા કડક પૂછપરછ કરતા તેણે રડતાં રડતાં કબૂલાત કરી કે, હા, હું રાજાની હત્યાના પ્લાનિંગમાં સામેલ હતી. આ સાથે, ખાસ વાત એ સામે આવી કે શિલોંગ પોલીસે સોનમ રઘુવંશીને તેના પ્રેમી રાજ કુશવાહ સાથે આમને-સામને મુલાકાત પણ કરાવી.
સોનમની યુપીના ગાઝીપુરથી કરાઇ ધરપકડ
શિલોંગ પોલીસની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, સોનમ હનીમૂનના બહાને રાજાને મેઘાલયના શિલોંગ લઈ ગઈ હતી. ત્યારબાદ ફરવાના બહાને તે રાજાને સોહરાના સુમસાન વિસ્તારમાં લઈ ગઈ અને હત્યારાઓને તેનું લોકેશન શેર કરી દીધું હતું. પોલીસને હત્યામાં વપરાયેલ હથિયાર ગુવાહાટી રેલવે સ્ટેશન પાસેથી મળ્યું. હત્યા કર્યા બાદ સોનમે રાજાના ફોનમાંથી સાત જન્મોનો સાથ લખીને એક પોસ્ટ કરી જેથી પોલીસ તપાસ ગેરમાર્ગે ભટકાવી શકાય.
રાજા રઘુવંશી મર્ડર કેસમાં તેની પત્ની સોનમ, રાજ કુશવાહ (સોનમનો પ્રેમી) અને ત્રણ કોન્ટ્રાક્ટ કિલર આનંદ, આકાશ રાજપૂત અને વિશાલ ઉર્ફે વિકી ઠાકુરનો સમાવેશ થાય છે. સોનમની યુપીના ગાઝીપુરથી ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુશવાહ અને વિશાલની ઇન્દોરથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે આકાશ રાજપૂતની મધ્યપ્રદેશના સાગરથી અને આનંદની યુપીના લલિતપુરથી ધરપકડ કરવામાં આવી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસને ઘટનાસ્થળેથી કેટલાક ડિજિટલ પુરાવા, કોલ રેકોર્ડ અને વોટ્સએપ ચેટ પણ માળી આવ્યા છે, જે હત્યાના કાવતરાને સાબિત કરે છે. નોંધનીય છે કે ઇન્દોરના રહેવાસી રાજા અને સોનમ રઘુવંશી હનીમૂન માટે મેઘાલય ગયા હતા.
રાજાનું ત્યાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું, તપાસ કરતા હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. મેઘાલય પોલીસે ઝડપી તપાસ કરતા સોનમ અને તેના કથિત પ્રેમી રાજ કુશવાહાની ધરપકડ બાદ પૂછપરછ શરૂ થઈ. હવે સોનમની કબૂલાત બાદ આ કેસમાં નિર્ણાયક વળાંક આવ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં સમગ્ર ઘટનાની સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ યોજાશે અને કાવતરામાં સામેલ અન્ય લોકોની પણ ધરપકડ કરવામાં આવી શકે છે.