સિને કૃતિઓ તેના રાજકીય અને સામાજિક વ્યંગ માટે પણ જાણીતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જાણીતા ફિલ્મ નિર્માતા અને નિર્દેશક શ્યામ બેનેગલનું નિધન થયું છે. શ્યામ બેનેગલ ઘણા સમયથી બીમાર હતા, તેમ છતાં તેઓ અલગ-અલગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા હતા. બેનેગલનું ૯૦ વર્ષની ઉંમરે સાંજે ૬.૩૯ કલાકે નિધન થયું છે. તેમણે ગુજરાતીમાં પહેલી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ ‘ઘેર બેઠા ગંગા’ બનાવી હતી.
બેનેગલની ફિલ્મ કારકિર્દીની વાત કરીએ તો, તેમની ફિલ્મ શૈલી એટલી અદ્ભુત હતી કે વિવેચકો પણ તેમની શૈલીના વખાણ કરતા થાકતા નહોતા. તેમની સિને કૃતિઓ તેના રાજકીય અને સામાજિક વ્યંગ માટે પણ જાણીતી છે. એક વખત તેમણે કહેલું રાજકીય સિનેમા ત્યારે જ ટકી શકે છે જ્યારે સમાજમાં તેની ડીમાન્ડ હોય. હું નથી માનતો કે ફિલ્મો સમાજમાં પરિવર્તન લાવી શકે છે, પરંતુ ફિલ્મોમાં સામાજિક ચેતના જગાડવાની ક્ષમતા જરૂર હોય છે. બેનેગલે અંકુર, મંથન, નિશાંત, આરોહણ, સુસ્મન, હરીભરી, સમર જેવી ફિલ્મો બનાવીને સમાજની સુષુપ્ત ચેતનાને કુંભકર્ણ નિંદ્રામાંથી જગાડવાની પ્રશંસનીય પ્રયાસ કર્યો હતો. માત્ર ભારતમાં જ નહીં આંતરરાષ્ટ્રીય ફલક પર પણ તેમના કલા-કસબને ગંભીરતાથી લેવામાં આવે છે.