કોર્ટે અલ્લુ અર્જુનને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આપ્યો હતો આદેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પુષ્પા ૨ ફિલ્મની સ્ક્રીનિંગમાં મચેલી નાસભાગ કેસમાં જાણીતા અભિનેતા અલ્લુ અર્જુનની પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધ્યા બાદ તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તેને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. આ અંગે અલ્લુ અર્જુનના વકીલે વચગાળાના જામીન આપવાની માગ કરી હતી. કોર્ટે દલીલો સાંભળ્યા બાદ વચગાળાના જામીન આપી દીધા છે. અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા-૨ના સ્ક્રીનિંગ દરમિયાન થયેલી નાસભાગમાં એક મહિલા ચાહકનું મોત નીપજતાં તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે કોર્ટે મહત્ત્વનો ર્નિણય આપ્યો છે. આ મામલે એફઆઈઆર રદ કરાવવા અલ્લુ અર્જુને તેલંગાણા હાઈકોર્ટના દ્વાર પણ ખટખટાવ્યા હતા. જોકે તે પહેલા જ હૈદરાબાદ પોલીસે તેની પૂછપરછ હાથ ધરી હતી.
અલ્લુ અર્જુનને તેલંગાણા કોર્ટે રૂ. ૫૦ હજારના બોન્ડ ચૂકવવાની શરતે જામીન આપ્યા છે. તેલંગાણા હાઈ કોર્ટે ચાર સપ્તાહ માટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. જસ્ટિસ જુવ્વેદી શ્રીદેવીની સિંગલ જજની પેનલે જણાવ્યું હતું કે, અર્જુન પ્રારંભિક ધોરણે આ ઘટના માટે જવાબદાર નથી. તે મુવી પ્રીમિયર માટે પરવાનગી સાથે ગયો હતો. આ ઘટનાને જાણી જાેઈને હત્યાના ઉદ્દેશ સાથે અંજામ આપવામાં આવ્યો નથી.
અલ્લુ અર્જુનને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી પર વચગાળાના જામીન માગ્યા હતા. જે કોર્ટે મંજૂર કર્યા છે. કોર્ટે જામીન મંજૂર કરતાં જણાવ્યું હતું કે, ઘટના જાણી જાેઈને ઘટી નથી. અલ્લુએ સમગ્ર કેસની તપાસમાં પોલીસને પૂરતો સહયોગ આપવાની ખાતરી આપી છે.
સુનાવણીમાં અલ્લુ અર્જુનના વકીલે દાવો કર્યો છે કે, અભિનેતાની ધરપકડ સનસની ફેલાવવા પૂરતી થઈ હતી. જેની જરૂર ન હતી. જજે પણ સવાલ કર્યો હતો કે, શું અભિનેતાની ધરપકડ બીએનએસની કલમ ૧૦૫ (બી) અને ૧૦૮ હેઠળ થઈ શકે છે, શું તે આ ઘટના માટે જવાબદાર છે? સરકારી વકીલે જણાવ્યું હતું કે, અર્જુન અભિનેતા છે, પણ હાલ તે આરોપી છે. તેની ઉપસ્થિતિના લીધે ભીડ થઈ હતી. જેના લીધે આ દુર્ઘટના ઘટી હતી.
અગાઉ પુષ્પા ૨ના અભિનેતા અલ્લુ અર્જૂનની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી હતી. હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં દક્ષિણ ભારતના સુપરસ્ટાર અને પુષ્પા ૨ ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જૂનની ધરપકડ હતી.. અત્રે જણાવવાનું કે ૪ ડિસેમ્બરના રોજ પુષ્પા ૨ ફિલ્મની રિલીઝની પૂર્વ સંધ્યા પર સંધ્યા થિયેટરમાં એક વિશેષ સ્ક્રીનિંગનું આયોજન થયું હતું. અહીં એડવાન્સ ટિકિટ ખરીદીને લોકો ફિલ્મ જાેવા માટે પહોંચ્યા હતા. કોઈને ખબર નહતી કે અલ્લુ અર્જૂન પણ આવવાનો છે. પરંતુ અલ્લુ અર્જૂનની ટીમ અચાનક પહોંચી ગઈ. જેવો તે થિયેટરમાં પહોંચ્યો કે તેના પ્રશંસકો મોટી સંખ્યામાં તેને જોવા માટે ઉમટી પડ્યા જેના કારણે ભાગદોડ મચી ગઈ. આ ભાગદોડમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો. જેના કારણે અલ્લુ અર્જૂન અને અન્ય પર અપરાધિક બેદરકારીનો આરોપ લાગ્યો.
અલ્લુ અર્જૂને આ ઘટના અંગે તેલંગણા હાઈકોર્ટમાં અપીલ કરી હતી જેમાં તેણે કહ્યું હતું કે આ ઘટનામાં તેની કોઈ ભૂલ નહતી. તે ફક્ત દુર્ભાગ્યવશ ત્યાં હાજર હતો. આ અગાઉ પહેલા પણ એક કેસમાં શિલ્પા રવિ રેડ્ડીના ઘરે થયેલી એક ઘટનામાં તે ત્યાં હાજર હતો પરંતુ તે કેસમાં હાઈકોર્ટે તેને રાહત આપી હતી. હવે આ નવા કેસમાં તેની ધરપકડ થઈ ગઈ હતી.
આ અગાઉ સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જૂને મહિલાના મોત પર દુઃખ વ્યક્ત કર્યું હતું. બુધવારે રાતે ૯.૩૦ વાગે પુષ્પા ૨ ધ રૂલના પ્રીમીયર વખતે એમ રેવતી નામની મહિલાનું ભાગદોડમાં મોત થયું હતું. અલ્લુ અર્જૂને એક્સ પર ઘટનાનો ઉલ્લેખ કરતા એક વીડિયો પોસ્ટ કર્યો અને દુઃખ વ્યક્ત કર્યું હતું. અભિનેતાએ લખ્યું કે સંધ્યા થિયેટરમાં થયેલી દુઃખદ ઘટનાથી ખુબ દુઃખી છું. આ કપરા સમયમાં પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ છે.
હું તેમને ખાતરી અપાવવા માંગુ છું કે તેઓ આ દર્દમાં એકલા નથી અને હું વ્યક્તિગત રીતે પરિવારને મળીશ.
શોક મનાવવા માટે તેમની જરૂરિયાતનું સન્માન કરતા હું આ કપરી મુસાફરીમાંથી પસાર થવામાં તેમની દરેક શક્ય મદદ કરવા માટે પ્રતિબદ્ધ છું. અલ્લુ અર્જૂને મૃત મહિલાના પરિજનોને આશ્વાસન આપ્યું કે તેઓ હંમેશા તેમના માટે હાજર રહેશે. અભિનેતાએ પરિવારને સદભાવના તરીકે ૨૫ લાખ રૂપિયા આપવાનું વચન પણ આપ્યું હતું.