Last Updated on by Sampurna Samachar
મુંબઇ હાઇકોર્ટે ફિલ્મ અજય: ધ અનટોલ્ડ સ્ટોરી જોવાનો ર્નિણય લીધો
ફિલ્મ જોયા પછી જ આપશે આદેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોમ્બે હાઈકોર્ટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવન પર આધારિત ફિલ્મ અજય: ધ અનટોલ્ડ સ્ટોરી જોવાનો ર્નિણય લીધો છે. કોર્ટ આ સપ્તાહના અંતે ફિલ્મ જોશે અને પછી પોતાનો આદેશ આપશે.
મુંબઈ હાઈકોર્ટે કહ્યું કે તે ફિલ્મ અજય: ધ અનટોલ્ડ સ્ટોરી જોયા પછી ફિલ્મ નિર્માતાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ર્નિણય લેશે, જેમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા ફિલ્મને પ્રમાણિત કરવાના ઇનકારને પડકારવામાં આવ્યો હતો. આ ફિલ્મ ધ મોન્ક હુ બિકેમ ચીફ મિનિસ્ટર પુસ્તકથી પ્રેરિત છે અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જીવન પર આધારિત હોવાનું કહેવાય છે.
એક નકલ કોર્ટમાં પહેલાથી જ સબમિટ કરાઇ
ન્યાયાધીશ રેવતી મોહિતે ડેરે અને નીલા ગોખલેની બેન્ચે ફિલ્મ નિર્માતાઓને ફિલ્મની એક નકલ કોર્ટમાં સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો, જેમાં CBFC દ્વારા ચિહ્નિત કરેલા દ્રશ્યો અથવા ભાગોને સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યા હોય. ફિલ્મ જે પુસ્તક પર આધારિત છે તેની એક નકલ કોર્ટમાં પહેલાથી જ સબમિટ કરવામાં આવી છે. ૭ ઓગસ્ટના અગાઉના આદેશમાં, કોર્ટે CBFC ને ફિલ્મ જોવા અને ફિલ્મ નિર્માતાઓ સાથે તેના વાંધા ૧૧ ઓગસ્ટ સુધીમાં શેર કરવાનો નિર્દેશ આપ્યો હતો જેથી તેઓ જરૂરી ફેરફારો કરી શકે.
CBFC ની તપાસ સમિતિએ ૧૧ ઓગસ્ટના રોજ ૨૯ વાંધાઓની યાદી આપી હતી. જોકે, ફિલ્મ નિર્માતાઓએ ૧૨ ઓગસ્ટ સુધી કોઈ જવાબ આપ્યો ન હતો કે કોઈ ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો ન હતો. તેથી સીબીએફસીની રિવાઇઝિંગ કમિટીએ ફિલ્મ જોવાનું નક્કી કર્યું. રિવાઇઝિંગ કમિટીએ અગાઉના ૮ વાંધાઓ દૂર કર્યા, પરંતુ આખરે ૧૭ ઓગસ્ટના રોજ પ્રમાણપત્ર નકારી કાઢ્યું. ફિલ્મ નિર્માતાઓએ રિવાઇઝિંગ કમિટીના રિવાઇઝિંગ ઓર્ડરને પડકારવા માટે તેમની અરજીમાં સુધારો કરવાની પરવાનગી માંગી. ત્યારબાદ કોર્ટે આ મામલાની સુનાવણી નક્કી કરી, જેથી પહેલા નક્કી કરી શકાય કે સુધારેલી અરજી સ્વીકાર્ય છે કે નહીં કારણ કે સિનેમેટોગ્રાફ એક્ટ હેઠળ અપીલ પદ્ધતિ ઉપલબ્ધ છે.
CBFC વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભય ખાંડેપારકરે કોર્ટને જણાવ્યું હતું કે બોર્ડે સમગ્ર પ્રક્રિયા દરમિયાન કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કર્યું છે અને ફિલ્મ નિર્માતાઓ પાસે હજુ પણ સિનેમેટોગ્રાફ એક્ટ હેઠળ હાઇકોર્ટમાં અપીલ કરવાનો ઉપાય છે.
જોકે, ફિલ્મ નિર્માતાઓએ દલીલ કરી હતી કે આ અરજી આ કોર્ટ સમક્ષ સ્વીકાર્ય છે. તેમના તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રવિ કદમે દલીલ કરી હતી કે CBFC રિવાઇઝિંગ કમિટીનો અસ્વીકાર માત્ર ફિલ્મ નિર્માતાના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરતું નથી, પરંતુ CBFC એ ફિલ્મની રજૂઆત પહેલાં ખાનગી વ્યક્તિ (યોગી આદિત્યનાથ) પાસેથી NOC મેળવવાનો નિર્દેશ આપીને તેના અધિકારક્ષેત્રની બહાર પણ કાર્ય કર્યું છે.