Last Updated on by Sampurna Samachar
તમિલનાડુના રાજ્યપાલ આર. એન રવિનો મોટો દાવો
બે રાજ્યોમાં વધતી જતી વસતી ટાઇમ બોમ્બ સમાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
તમિલનાડુના રાજ્યપાલ આર એન રવિએ આસામ અને પશ્ચિમ બંગાળ સહિત દેશના કેટલાક ભાગોમાં ઝડપથી વધી રહેલી વસતી અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, આસામ અને પશ્ચિમ બંગાળ સહિત કેટલાક ભાગોમાં વસ્તીમાં થઈ રહેલો ફેરફાર ટાઇમ બોમ્બ સમાન છે. આ સમસ્યાનો ઉકેલ શોધવો પડશે.
બીજી તરફ મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા રાજ્યોમાં છેડાયેલા ભાષા વિવાદ વચ્ચે રાજ્યપાલે કહ્યું કે, ભાષાના નામ પર લડવું એ ભારતની સંસ્કૃતિ નથી. કોઈએ કોઈના પર ભાષા થોપવી ન જોઈએ. આ દેશે હંમેશા બાહ્ય હુમલાઓનો સામનો કર્યો છે, પરંતુ જ્યારે આપણે અંદરની વાત કરીએ છીએ, ત્યારે આપણે જોવું જોઈએ કે ઇતિહાસમાં શું થયું છે.
તમામ ભારતીય ભાષાઓ આપણી રાષ્ટ્રીય ભાષાઓ
રાજ્યપાલ રવિએ કહ્યું કે, ૧૯૪૭માં દેશનું વિભાજન થયું હતું. આ આંતરિક અશાંતિને કારણે થયું. એક વિચારધારામાં માનનારા લોકોએ કહી દીધું હતું કે અમે બીજા લોકો સાથે ન રહી શકીએ. આમ વિચારધારાના વિવાદે દેશને વિભાજીત કર્યો. આર. એન. રવિએ ગુજરાતના ગાંધીનગરમાં રાષ્ટ્રીય સંરક્ષણ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને સંબોધતા આ વાત કહી.
તેમણે કહ્યું કે, શું કોઈને છેલ્લા ૩૦-૪૦ વર્ષોમાં આસામ, પશ્ચિમ બંગાળ અને પૂર્વાંચલ(ઉત્તર પ્રદેશ અને બિહારના કેટલાક ભાગો)માં વસ્તીમાં થયેલા ફેરફારોની ચિંતા છે? શું આજે કોઈ એ અંદાજો લગાવી શકે કે આવનારા ૫૦ વર્ષોમાં આ વિસ્તારોમાં દેશને વિભાજીત કરવાનું કામ નહીં થશે?
તેમણે આગળ કહ્યું કે, આપણે કેટલાક વિસ્તારોમાં વધતી જતી સંવેદનશીલ વસતી અને તેના ભવિષ્ય પર અભ્યાસ કરવો જોઈએ. આ સમસ્યા ટાઇમ બોમ્બ સમાન છે. આપણે ભવિષ્યમાં આ સમસ્યાનો સામનો કેવી રીતે કરીશું તે વિચારવું પડશે. આપણે આજથી જ આનો ઉકેલ શોધવાનું શરૂ કરી દેવું જોઈએ. તેમના મતે કોઈ દેશની લશ્કરી શક્તિ આંતરિક અશાંતિનો સામનો કરવા માટે પૂરતી નથી. રાજ્યપાલે તર્ક આપ્યો કે જો સોવિયેત યુનિયનની લશ્કરી શક્તિ આંતરિક સમસ્યાઓનો સામનો કરવા માટે પૂરતી હોત, તો ૧૯૯૧માં તેનું વિઘટન ન થયું હોત.
મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ચાલી રહેલા ભાષા વિવાદ વચ્ચે રવિએ કહ્યું કે, ભાષાના નામે કડવાશ રાખવી એ ભારતનું ચરિત્ર નથી. રાજ્યપાલે કહ્યું કે, આઝાદી બાદ આપણે પરસ્પર લડવા લાગ્યા. તેનું એક કારણ ભાષા હતી. તેઓએ (ભાષાકીય ઓળખના આધારે રાજ્યોની હિમાયત કરનારાઓએ) તેને ભાષાકીય રાષ્ટ્રવાદ કહ્યું. કેન્દ્રીય નેતૃત્વએ વારંવાર સ્પષ્ટ કર્યું છે કે, તમામ ભારતીય ભાષાઓ સમાન સ્તરની છે અને સમાન સન્માનને પાત્ર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અનેક વાર કહ્યું છે કે તમામ ભારતીય ભાષાઓ આપણી રાષ્ટ્રીય ભાષાઓ છે અને અમે દરેકનું સન્માન કરીએ છીએ. પીએમ મોદી પણ આ જ વાત કહે છે.