Last Updated on by Sampurna Samachar
આપ – ભાજપ આમને સામને આવી જતા થયો હોબાળો
પોલીસ અને આપના કાર્યકર્તાઓ વચ્ચે ધક્કામુક્કી
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ-કાશ્મીરની વિધાનસભામાં ભાજપ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છુટ્ટા હાથની મારામારી થઇ હોવાની માહિતી મળી હતી. જ્યાં આ ઘટના બાદ આપ પાર્ટીએ આક્રોષ વ્યક્ત કર્યો અને પાર્ટીના કાર્યકર્તાઓએ રસ્તા ઉપર આવી દેખાવો કર્યા હતા.
ડોડા જિલ્લાના આપ ધારાસભ્ય મેહરાજ મલિકે દાવો કર્યો છે કે, જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોએ તેમની સાથે મારામારી કરી હતી. ત્યારબાદ મલિક અને તેમના સમર્થકો રસ્તા પર આવી ઉગ્ર પ્રદર્શનો કરી રહ્યા છે.
કોઈપણ વ્યક્તિ પ્રજાની અવાજને દબાવી શકતો નથી
મલિકે આક્ષેપ કર્યો છે કે, ૨૦૨૪ ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જમ્મુમાં મોટાભાગની બેઠકો જીતી, જોકે ભાજપ ધારાસભ્યો જનતાની સેવા કરવાના બદેલ પોતાનું ઘર ભરી રહ્યા છે. તેમણે કહ્યું કે, ‘હું જમ્મુનો એકમાત્ર ધારાસભ્ય છું અને હું પ્રજા સાથે જોડાયેલા મુદ્દાઓ વિધાનસભામાં ઉઠાવવા માંગતો હતો.
તેમણે આક્ષેપ કર્યો છે કે, વિધાનસભામાં મને મુદ્દા ઉઠાવતા રોકવામાં આવ્યો અને મારી સાથે મારામારી પણ કરવામાં આવી.’ તેમણે થયેલી મારામારીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘ હું વિધાનસભામાં PDP ના ધારાસભ્યો સાથે ચર્ચા કરી રહ્યો હતો. જોકે આ દરમિયાન અચાનક ભાજપના ધારાસભ્યો આવ્યા અને મારી સાથે ઉગ્ર બોલાચાલી અને મારા મારી કરવા લાગ્યો.
હું હંમેશા પ્રજાના મુદ્દાઓ ઉઠાવતો રહીશ, કોઈપણ વ્યક્તિ પ્રજાની અવાજને દબાવી શકતો નથી. મારામારીની ઘટના બાદ મલિક અને સમર્થકોએ પોસ્ટરો સાથે જોરદાર દેખાવો કર્યા હતા. આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ માંગ કરી છે કે, ભાજપ અને નેશનલ કોન્ફરનન્સના DNA ની તપાસ કરવી જોઈએ. આપે ભાજપ-નેશનલ કોન્ફરન્સ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે પાર્ટીના કાર્યકર્તાઓ રસ્તા તરફ જઈ રહ્યા હતા, ત્યારે પોલીસની ટીમે તેમને અટકાવ્યા, જેના કારણે પોલીસ અને આપના કાર્યકર્તાઓ વચ્ચે ધક્કામુકી થઈ હતી.