Last Updated on by Sampurna Samachar
કેટરર્સના વેઈટરોએ ડેકોરેશનના કારીગરોને ઢોર માર માર્યો
નજીવી બાબતે બંને જૂથ વચ્ચે મામલો બિચક્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના સાણંદ તાલુકામાં એક પ્રસંગ દરમિયાન કેટરિંગના વેઈટરો અને ડેકોરેશનના કારીગરો વચ્ચે થયેલી નજીવી બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આરામ કરવા જેવી સામાન્ય વાતમાં થયેલી તકરારમાં જમ્મુ-કાશ્મીરના ૧૧ જેટલા વેઈટરોએ ડેકોરેશનના કારીગરો પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.

ઘટનાની મળતી માહિતી અનુસાર, સાણંદ પાસે આવેલા એક ફાર્મ હાઉસમાં ડેકોરેશનનું કામ કરી રહેલા કારીગરોએ ત્યાં હાજર કેટરર્સના વેઈટરોને અન્ય જગ્યાએ જઈને આરામ કરવાનું કહ્યું હતું. આ સામાન્ય સૂચનથી ઉશ્કેરાઈ ગયેલા વેઈટરોએ એકસંપ થઈને ડેકોરેશનના કારીગરો સાથે ગાળાગાળી શરૂ કરી હતી.
સાણંદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ
જોતજોતામાં મામલો એટલો વણસ્યો હતો કે, જમ્મુ-કાશ્મીરથી કામ અર્થે આવેલા ૧૧ જેટલા વેઈટરોએ પોતાની પાસે રહેલી છરીઓ કાઢીને ડેકોરેશનના કારીગરો પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં કેટલાક કારીગરોને ઇજાઓ પહોંચતા વાતાવરણ તંગ બની ગયું હતું. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા.
આ સમગ્ર મામલે ભોગ બનનાર કારીગરોએ સાણંદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે જમ્મુ-કાશ્મીરના રહેવાસી એવા ૧૧ વેઈટરો વિરૂદ્ધ રાયોટિંગ અને હથિયાર વડે હુમલો કરવા બદલ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આ મામલે કેટરિંગ કોન્ટ્રાક્ટરની પણ પૂછપરછ હાથ ધરી છે કે, આ શખ્સો પાસે જરૂરી પુરાવા અને પોલીસ વેરિફિકેશન હતું કે નહીં.