Last Updated on by Sampurna Samachar
ફિફા વિશ્વ કપ માટે મોરક્કોની અમાનવીય હરકત
(સંપૂર્ણ સમાચાર સેવા)
મોરક્કોની ૨૦૩૦ ફિફા વિશ્વ કપના સહ આયોજનની તૈયારી દરમિયાન રખડતા શ્વાનોની ક્રૂર હત્યાથી સમગ્ર વિશ્વમાં આક્રોશ ફેલાયો છે. પર્યાવરણવાદી જેન ગૂડોલ અને ઈન્ટરનેશનલ એનિમલ વેલફેર પ્રોટેક્શન કોઓલેશન જેવી સંસ્થાઓએ ત્રીસ લાખથી વધુ રખડતા શ્વાનોની સામૂહિક કત્લેઆમની ટીકા કરી છે. આ પ્રવૃત્તિ ઓગસ્ટ ૨૦૨૪ માં સમાપ્ત થઈ હોવાના મોરક્કોના દાવા છતાં IAWPC એ કત્લેઆમ હજી ચાલુ હોવાનો ભારપૂર્વક દાવો કર્યો છે.
અહેવાલમાં શ્વાનોની ર્નિદયી રીતે કત્લ કરવા અગાઉ તેમને સ્ટ્રાઈકનિનથી ઝેર આપવું, ગોળી મારવી અને પીડાદાયક ઉપકરણોથી પકડવા સહિતની વિચલિત કરતી પદ્ધતિઓ વિશે જાણકારી આપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં શ્વાનો લોહીના ખોબોચિયામાં પડેલા, પીડાથી કણસી રહ્યા હોવાના તેમજ ઝેરથી તરફડી રહ્યા હોવાના પીડાદાયક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઓળખની ટેગ સાથે પાળેલા અને વેક્સિન આપવામાં આવેલા શ્વાનોને પણ આડેધડ મારવામાં આવી રહ્યા છે.
ગૂડોલે ફિફાને દખલગીરી કરવાની વિનંતી કરીને સંભવિત બહિષ્કાર તેમજ તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચવાની ચેતવણી આપી છે. ગૂડોલે શ્વાનોની હત્યા અટકે નહિ તો મોરોક્કોના આયોજનના અધિકારો છીનવી લેવાની હાકલ કરી છે. કાર્યકરો અને સંસ્થાઓએ શ્વાનોની સંખ્યા પર નિયંત્રણ કરવા નસબંધી, દત્તક અને રસીકરણ જેવા માનવીય પગલા લેવાની ભલામણ કરી છે.
શ્વાનોની સામૂહિક કત્લેઆમને કારણે સોશિયલ મીડિયા પર વ્યાપક રોષ વ્યક્ત થઈ રહ્યો છે અને તેને રોકવા વૈશ્વિક કાર્યવાહીની હાકલ કરવામાં આવી રહી છે. જાહેરમાં કરાતી આ હત્યાના વિચલિત કરતા પ્રકારને કારણે મોરક્કો બાળ અધિકારો પર યુનોના સંમેલન સહિત આંતરરાષ્ટ્રીય ધોરણોનો ભંગ કરી રહ્યું હોવાનો આરોપ પણ થઈ રહ્યો છે. મોરક્કોની આવી અમાનવીય હરકત સામે ફિફાએ ચૂપકીદી સેવી હોવાથી વિવાદ હજી વધુ વ્યાપક બનવાની સંભાવના છે અને નૈતિક સમાધાન તેમજ જવાબદારીની માંગણી વધુ તીવ્ર બનશે.