Last Updated on by Sampurna Samachar
ભારે પથ્થરમારો થતાં ગામમાં અફરાતફરી મચી
સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના સાણંદ તાલુકાના કલાણા ગામમાં જૂની અદાવતમાં પથ્થરમારાની ઘટના બની હતી.જ્યાં ગામ છાવણીમાં ફેરવાયું છે. જૂની અદાવતના મામલે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો અને ભારે પથ્થરમારો થતાં ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. આ વિવાદ વધુ વકરતા પરિસ્થિતિ ભારેલા અગ્નિ જેવી બની છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. નીલમ ગોસ્વામી એ જણાવ્યું હતું કે, આ જૂથ અથડામણની ઘટના સોમવારે તળાવના પાળે બની હતી. આ ઝઘડાની શરૂઆત એક જૂથના બે છોકરાઓ અને અન્ય જૂથના એક છોકરા વચ્ચે એકબીજાની સામે જોવાની બાબતે થયેલી બોલાચાલીથી થઈ હતી.
પોલીસે બંને પક્ષોની FIR દાખલ કરી
ત્યારબાદ ગામમાં બંને પક્ષોના ટોળા સામસામે આવી ગયા હતા અને તેમની વચ્ચે ઝઘડો થયો હતો, જેના પગલે પોલીસે બંને પક્ષોની FIR દાખલ કરી છે.વધુ વિગત આપતા તેમણે કહ્યું કે, આ અથડામણમાં કોઈને ગંભીર ઈજા કે ફ્રેક્ચર થયું નથી, માત્ર સામાન્ય મૂઢમાર અને લોહીની ફૂટ જેવી નાની ઈજાઓ થઈ છે.
હાલમાં ગામમાં GIDC પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સવારે પોલીસે કોમ્બિંગ કરીને આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં કુલ ૪૦ જેટલા આરોપીઓ હોવાનું જણાવાયું છે અને અન્ય અજાણ્યા વ્યક્તિઓની ઓળખ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે.