Last Updated on by Sampurna Samachar
વિસેરાના લેવાયેલા સેમ્પલમાં નવો ખુલાસો થયો
રાધિકા અને મંગેતર કિશન વચ્ચે નાની નાની બાબતે ઝઘડો થયા કરતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતમાં મહિલા ડોક્ટરના આપઘાત મામલે નવો ખુલાસો થયો છે. મહિલા ડોક્ટરે ૯મા માળેથી કૂદતા પહેલાં ચાય પાર્ટનર કાફેમાં બેસી અનાજમાં નાખવાની ઝેરી ટીકડીઓ ખાધી હતી. વિસેરાના લેવાયેલા સેમ્પલમાં નવો ખુલાસો થયો છે.

ફિઝીયોથેરાપી ૨૮ વર્ષીય ડોક્ટર રાધિકાએ નવમા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો. રાધિકાના પોસ્ટમોર્ટમ સેમ્પલ લેતા ગંભીર બાબત સામે આવી છે. ફિઝીયોથેરાપિસ્ટે નવમા માળેથી કુદતા પહેલા ચાય પાર્ટનર કાફેમાં બેસી અનાજમાં નાખવાની ઝેરી ટીકડીઓ ખાધી હતી.
મૃતકના પરિવારજનો અને મંગેતરની પૂછપરછ શરૂ
મૃત્યુનું ચોક્કસ કારણ અને ઝેરની અસર જાણવા ડોક્ટરના વિસેરાના સેમ્પલ પણ લેવાયા હતા. ફૂટેજમાં પણ આ વાતની પુષ્ટિ થઈ છે કે, ડોક્ટર રાધિકાએ કાફેમાં આવ્યા બાદ જ તેણે ટીકડીઓ ખાધી હતી. શુક્રવારે સાંજે ૬:૪૯ વાગ્યે કાફેમાં પ્રવેશ્યા બાદ માત્ર બે જ મિનિટમાં એટલે કે ૬:૫૧ વાગ્યે તે ટીકડીઓ ખાતા દેખાઈ હતી. ત્યાર બાદ બે ત્રણ મિનિટ પછી કોફી પીધી હતી અને ૬:૫૯ વાગ્યે તેણે કૂદકો મારી આપઘાત કર્યો હતો.
પોલીસે મૃતકના પરિવારજનો અને મંગેતરની પૂછપરછ શરૂ કરી છે. જેમાં એ પણ સામે આવ્યું કે, ડોક્ટર રાધિકા કોટડીયા અને મંગેતર કિશન વચ્ચે નાની નાની બાબત ઝઘડો થયા કરતો હતો. પોલીસને રાધિકા અને કિશનની whatsapp મેસેજની ચેટ મળી આવી છે. જેમાં રાધિકાએ મંગેતરને કહ્યું હતું કે, નાની-નાની બાબત વિશે પેરેન્ટ્સને ન કહેવાય.
તપાસમાં સામે આવ્યું કે, ડોક્ટર રાધિકા કોટડીયાના ૧૯ ફેબ્રુઆરીએ લગ્ન થવાના હતા. પરંતુ તે પહેલા જ રાધિકા અને તેના ફીયાન્સ વચ્ચે નાની નાની વાતમાં બોલાચાલી થતી હતી. પોલીસને મોબાઈલ ચેટ મળી આવી છે. જેમાં રાધિકાએ મંગેતર કિશનને લખ્યું હતું કે, ‘નાની નાની વાત ઘરમાં ન કહેવાની હોય.’ જેમાં સામે મંગેતરે જવાબ આપ્યો હતો કે, ‘પરિવારને આ વાત કરવી જ પડે.’ જેની સામે રાધિકાએ કહ્યું હતું કે, ‘લગ્ન પછી પણ નાના નાના ઝઘડા થશે એ પણ પરિવારને કહેશે?’
સુરત પ્રાઇવેટ ફિઝિયો ક્લિનિક ધરાવતી રાધિકા કોટડીયા નામની યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. સરથાણા જકાતનાકાના ચાઇલટ પાર્ટનર કાફેમાં એકલા ગયા બાદ ફિઝિયોથેરાપિસ્ટે નવમા માળેથી ઝંપલાવીને મોત વ્હાલુ કર્યું. રાધિકા કોટડીયા પોતાનું પ્રાઇવેટ ફિઝિયો ક્લિનિક ધરાવે છે. હોસ્પિટલમાં રાધિકાને સારવાર માટે લઈ જવામાં આવી હતી, સારવાર દરમિયાન તેનું કરુણ મોત નિપજ્યું હતું.