Last Updated on by Sampurna Samachar
દીપડોએ કર્યો પરિવાર સામે બકરીનો શિકાર
આ ઘટનાની સૌથી ભયાનક બાબત એ છે કે, દીપડો સૂતેલા પરિવારની એકદમ નજીકથી બકરીને ફાડી ખાવા ઉપાડી ગયો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. બારડોલી તાલુકાના ખલી ગામે એક કદાવર દીપડાએ રહેણાંક વિસ્તારમાં ઘૂસીને શિકાર કરતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ઘટનાની સૌથી ભયાનક બાબત એ છે કે, દીપડો સૂતેલા પરિવારની એકદમ નજીકથી બકરીને ફાડી ખાવા ઉપાડી ગયો હતો.

ખલી ગામના કેદારેશ્વર અંધારી ફળિયામાં રહેતા ગોવિંદભાઈ હળપતિ અને તેમનો પરિવાર રાત્રિના સમયે નિરાંતે સૂતો હતો.આ દરમિયાન અંધકારનો લાભ લઈ એક કદાવર દીપડો ત્રાટક્યો હતો. પરિવારના સભ્યો બાજુમાં જ સૂતા હોવા છતાં, દીપડો ર્નિભય બનીને બકરીનો શિકાર કરી ત્યાંથી પલાયન થઈ ગયો હતો. સવારે જ્યારે પરિવાર જાગ્યો ત્યારે બકરી ગાયબ જણાતા અને ખેતરોમાં દીપડાના પગમાર્ક જોવા મળતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા જ વન વિભાગની ટીમ દોડી આવી હતી. તપાસ દરમિયાન નજીકના કોતર વિસ્તારમાંથી બકરીનો મૃતદેહ મળી આવ્યો હતો. વન વિભાગે આ જગ્યા પર તાત્કાલિક નાઈટ વિઝન સીસીટીવી કેમેરા ગોઠવ્યા હતા. ગત રાત્રે ૭:૨૯ કલાકે અંદાજે ૮ થી ૯ વર્ષનો એક કદાવર દીપડો ફરીથી બકરીના અવશેષો પાસે આવતા તે કેમેરામાં કેદ થયો હતો.દીપડાની હિલચાલ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાતા હવે ગ્રામજનોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે. લોકો રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે. વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે અને સ્થાનિકોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.