Last Updated on by Sampurna Samachar
કેન્દ્ર સરકાર પાસેથી ઔપચારિક અને નિષ્પક્ષ તપાસની માંગ
પાઇલટ કેપ્ટન સુમિત સભરવાલના પિતાએ કરી માંગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના અમદાવાદમાં થયેલા દેશના સૌથી મોટા વિમાન દુર્ઘટનાના તપાસ અહેવાલ પર વિવાદ ઉભો થયો છે. AI ૧૭૧ના મુખ્ય પાઇલટ કેપ્ટન સુમિત સભરવાલના પિતાએ નવેસરથી તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું કે, લીક થવાની ઘટનાને કારણે તેમના પુત્રની છબી ખરાબ થઈ છે.

૧૨ જૂને ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાથી સમગ્ર દેશને આઘાત લાગ્યો હતો. હવે, આ અકસ્માતની તપાસ અંગે એક નવો વિવાદ ઉભો થયો છે. ફ્લાઇટના પાઇલટ કેપ્ટન સુમિત સભરવાલના ૯૧ વર્ષીય પિતા પુષ્કરાજ સભરવાલે કેન્દ્ર સરકાર પાસેથી ઔપચારિક અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.
આ મામલે સરકારના હસ્તક્ષેપની વિનંતી કરી
તેમનું કહેવું છે કે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરોના પ્રારંભિક અહેવાલમાં તથ્યો સાથે છેડછાડ કરવામાં આવ્યા છે. પિતાએ કહ્યું છે કે, ૨૬૦ લોકોના મોત થયેલા વિમાન દુર્ઘટનાના અહેવાલની મહત્વની માહિતી લીક થવાથી તેમના પુત્રની છબી ખરાબ થઈ છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના લગભગ એક મિનિટ પછી વિમાન ક્રેશ થયું હતું.
પુષ્કરાજ સભરવાલે નાગરિક ઉડ્ડયન સચિવ અને AAIB વડાને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે તપાસ અહેવાલના કેટલાક ભાગો મીડિયામાં લીક થયા છે. આ લીકમાં દાવો કરવામાં આવ્યો હતો કે કેપ્ટન સુમિત માનસિક તણાવમાં હતો અને આત્મહત્યા કરવાનું વિચારી રહ્યો હતો. પુષ્કરાજે આને સંપૂર્ણપણે પાયાવિહોણી ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, આ અટકળો તેમના પરિવાર માટે અત્યંત પીડાદાયક હતી.
પિતાએ કહ્યું હતું કે આનાથી તેમના પુત્રની છબી ખરડાઈ છે. નોંધનીય છે કે સુમિત સભરવાલ ૧૨ જૂને અમદાવાદ થી લંડન ગેટવિક જતી એર ઇન્ડિયા બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર ફ્લાઇટના મુખ્ય પાઇલટ હતા. સભરવાલ માને છે કે તપાસના કેટલાક પાસાઓની સચોટ જાણ કરવામાં આવી રહી નથી. તેથી, તેમણે આ મામલે સરકારના હસ્તક્ષેપની વિનંતી કરી છે.