Last Updated on by Sampurna Samachar
“કોર્ટ મોનિટર કમિટી”ની રચનાની માંગ કરવામાં આવી
પાયલટના પિતાની સુપ્રીમ કોર્ટમાં અરજી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાને લઈને હવે મૃતક પાયલટના પિતાએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. આ વિમાન દુર્ઘટનામાં ૨૪૧ મુસાફરો સહિત ૨૬૦ લોકોના મોત નિપજ્યા હતા, જેની તપાસ ચાલી રહી છે. એવામાં દિવંગત કેપ્ટન સુમિત સાબરવાલના પિતાએ હવે સુપ્રીમ કોર્ટનો દરવાજાે ખખડાવ્યો છે. તેમણે એર ઇન્ડિયા ફ્લાઇટ AI -૧૭૧ દુર્ઘટનાની ચાલી રહેલી તપાસમાં વિશ્વસનીયતા અને પારદર્શિતાનો અભાવ હોવાના દાવા સાથે અકસ્માતની તપાસ ન્યાયિક દેખરેખ હેઠળ કરવાની માંગ કરી છે.
પાયલટના પિતા પુષ્કરાજ સાબરવાલ અને ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલટ્સ દ્વારા સંયુક્ત રીતે ૧૦ ઓક્ટોબરે દાખલ કરાયેલી રિટ અરજીમાં AI -૧૭૧ અકસ્માતની તપાસ માટે “કોર્ટ મોનિટર કમિટી”ની રચનાની માંગ કરવામાં આવી છે.
અગાઉ કરવામાં આવેલી તમામ તપાસોને સંપૂર્ણ ગણવામાં આવે
અરજીમાં માંગ કરવામાં આવી છે કે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા અગાઉ કરવામાં આવેલી તમામ તપાસોને સમાપ્ત થયેલી ગણવામાં આવે. આ સિવાય તમામ સામગ્રી પુરાવાને સ્વતંત્ર ઉડ્ડયન અને ટેકનિકલ નિષ્ણાતો સાથે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના નેતૃત્વ હેઠળની કોર્ટ ઓફ ઇન્કવાયરી અથવા ન્યાયિક દેખરેખ હેઠળની કમિટીને સોંપવામાં આવે.
અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઑફ થયાના થોડા સમય બાદ બી. જે. મેડિકલ કૉલેજની હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં વિમાનમાં સવાર ૨૪૨ લોકોમાંથી ૨૪૧ લોકોના મોત થયા હતા અને ફક્ત એક જ વ્યક્તિ જીવિત બચ્યો હતો. આ ઉપરાંત, ઓછામાં ઓછા ૨૯ અન્ય લોકોના મોત થયા હતા. જેમાંથી ૧૬૦ ભારતીય, ૭ પોર્ટુગીઝ, ૩૪ બ્રિટિશ અને ૧ કેનેડિયન વ્યક્તિનો સમાવેશ થાય છે.