પોલીસે બંનેની ધરપકડ કર્યા બાદ બંનેને જેલમાં ધકેલી દીધા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના કુશીનગર પોલીસે ગત ૪ જાન્યુઆરીના રોજ જટહા બજાર વિસ્તારમાં થયેલી મહિલાની હત્યાનો ખુલાસો કરતા મહિલાના પતિ અને વહુની ધરપકડ કરી છે. આડા સંબંધોમાં અડચણ બનતા મહિલાના પતિ અને વહુએ મળીને પહેલા તેની હત્યા કરી અને પછી લાશને શૌચાલયની ટાંકીમાં છુપાવી દીધી.
પોલીસની તપાસમાં આડા સંબંધની વાત સામે આવી હતી. જે બાદ પોલીસે પૂછપરછ કરી તો આખો મામલો સામે આવ્યો હતો. પોલીસે મહિલાના પતિ અને તેની વહુની ધરપકડ કર્યા બાદ હત્યાના સાધનો પણ જપ્ત કર્યા હતા.
મળતી માહિતી અનુસાર જટહા બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના અહિરૌલી ટોલા સુગૌલી ગામમાં ગત ૪ જાન્યુઆરીના રોજ ૪૮ વર્ષીય ગીતા દેવીની લાશ શૌચાલયની ટાંકીમાંથી મળી હતી. મૃતક ગીતા દેવીના દીકરાએ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં મૃતક ગીતાનો પતિ ધુરહૂ યાદવ ચૌકીદાર હતો. એટલા માટે પોલીસને તેના પર શંકા નહોતી. પણ ગામમાં લોકોના મોઢે ધુરહૂ અને તેની વહુ ગુડિયા વચ્ચે આડા સંબંધની ચર્ચા સાંભળ્યા બાદ પોલીસે તપાસની દિશા બદલીને તેની વહુ ગુડિયા પર કેન્દ્રિત કરી તો ચોંકાવનારો ખુલાસો થયો હતો.
હકીકતમાં જોઈએ તો, ધુરહૂને પોતાની વહુ ગુડિયા સાથે આડા સંબંધ હતા, જેનો મૃતક ગીતા દેવી વિરોધ કરતી હતી. ગીતાને રસ્તામાંથી હટાવવા માટે ગુડિયાએ પોતાના સસરા સાથે મળીને સુતી વખતે ગીતાના માથા પર ધોકાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી અને તેની લાશને શૌચાલયની ટાંકીમાં છુપાવી દીધી હતી.
ત્યારબાદ બંનેએ ગીતા દેવી ગુમ થવાની ફરિયાદ આખા ગામમાં ફેલાવી દીધી. પરંતુ કોઈને ટાંકી પાસે ગીતાના કપડા દેખાયા તો શંકા ગઈ. ટાંકીનું ઢાંકણ હટાવીને જોયું તો તેમાં ગીતાની લાશ મળી આવી હતી. લાશ મળ્યા બાદ પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઈજા થવાથી ગીતાનું મોત થયું હોવાનું સામે આવ્યુ. જે બાદ પોલીસે તપાસ વધારી તો આખો મામલો ખુલીને સામે આવ્યો. સીઓ સદર અભિષેક પ્રતાપ અંજેયે જણાવ્યું કે, આડા સંબંધોના કારણે ગીતાના પતિ ધુરહૂ અને તેની વહુ ગુડિયાએ મળીને તેની હત્યા કરી અને લાશને શૌચાલયની ટાંકીમાં છુપાવી દીધી. પોલીસે બંનેની ધરપકડ કર્યા બાદ હત્યામાં ઉપયોગમાં લેવાયા સાધનો પણ જપ્ત કર્યા. પોલીસે બંનેને જેલમાં મોકલી દીધા.