Last Updated on by Sampurna Samachar
હપ્તો આપવાની મનાઇ કરતાં ઉશ્કેરાયા શખ્સો
વેપારીના ઘરે પહોંચી આતંક મચાવ્યો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં છેલ્લા ૨૦ વર્ષથી બસ સ્ટેશન સામે પાઉંભાજીની લારી ચલાવી ગુજરાન ચલાવતા મૂળ રાજસ્થાનના વેપારી દંપતી પર અસામાજીક તત્વોએ ઘાતક હુમલો કર્યાનો કિસ્સો સામે આવ્યો છે.

મળતી વિગતો મુજબ આ શખ્સો છેલ્લા ચાર વર્ષથી વેપારી પાસેથી ગેરકાયદેસર હપ્તાની ઉઘરાણી કરતા હતા. જ્યારે વેપારીએ હપ્તો આપવાની મનાઈ કરી, ત્યારે આ અસામાજિક તત્વોએ વેપારીના ઘરે પહોંચી આતંક મચાવ્યો હતો.
સ્થાનિક વેપારીઓમાં ઘટનાને પગલે રોષ
ઘટનાની વિગતો મુજબ ચાર શખ્સો પાઉંભાજીના વેપારી મદનલાલ પટેલના રહેણાંક મકાને પહોંચ્યા હતા અને હપ્તાના રૂપિયાની માંગણી કરી હતી. વેપારીએ રૂપિયા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સોએ ધારીયા અને લોખંડના પાઇપ જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો.
આ હુમલામાં મદનલાલ અને તેમના પત્ની બંનેને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ભોગ બનનાર વેપારીના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા ૨૦ વર્ષથી અહીં શાંતિથી વેપાર કરે છે, પરંતુ છેલ્લા ચાર વર્ષથી આ તત્વો દ્વારા હપ્તા માટે તેમને સતત હેરાન કરવામાં આવી રહ્યા હતા.
ઇજાગ્રસ્ત મદનલાલ પટેલે ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે: ૧. સંજય હરજીભાઈ ચોહાણ, ૨. છત્રપાલસિંહ ઉર્ફ છતુભા, ૩.કેતન ઉર્ફે નકો નવીનભાઈ મકવાણા અને ૪. અંકીત રાવળ. પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ધ્રાંગધ્રાના સ્થાનિક વેપારીઓમાં આ ઘટનાને પગલે રોષ જોવા મળી રહ્યો છે અને વેપારીઓની સુરક્ષા માટે કડક પોલીસ પેટ્રોલિંગની માંગ ઉઠી છે.