Last Updated on by Sampurna Samachar
સદ્દનસીબે વાનમાં સવાર બાળકોને કોઇ ઇજા નહીં
ટ્રિપલ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી સર્જાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરની ઓળખ ગણાતી લાલ બસ AMTS ફરી એકવાર અકસ્માતને કારણે વિવાદમાં આવી છે. શહેરના ગોતા સીરામીક માર્કેટ પાસે એક બેફામ ગતિએ આવતી AMTS બસે રોડ પર જઈ રહેલા એકસાથે ત્રણ વાહનોને જોરદાર ટક્કર મારી હતી. આ ટ્રિપલ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ અકસ્માતની સૌથી ભયાનક બાબત એ હતી કે AMTS બસે જે ત્રણ વાહનોને અડફેટે લીધા, જેમાં એક સ્કૂલ વાન પણ સામેલ હતી. આ ઉપરાંત એક રિક્ષા અને એક ટેમ્પોને પણ બસે જોરદાર ટક્કર મારી હતી. સદ્દનસીબે અકસ્માત સમયે સ્કૂલ વાનમાં સવાર બાળકોને કોઇ પણ પ્રકારની ઇજા પહોંચી નથી. જે એક મોટી રાહતની વાત છે. વાનનો કાચ અને બોડીનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હોવા છતાં માસૂમ બાળકોનો આબાદ બચાવ થયો છે.
અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઇ
આ ટક્કર એટલી ભયાનક હતી કે રિક્ષા અને ટેમ્પોમાં સવાર બે વ્યક્તિઓને શરીરના ભાગે ઇજાઓ પહોંચી છે. અકસ્માત થતા જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટેની નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.