Last Updated on by Sampurna Samachar
મૃતકો રાધનપુરના વાદી વસાહતના રહેવાસી હોવાનું સામે આવ્યું
રિક્ષામાં સવાર ૬ લોકોના મોત નિપજ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં ફરી એકવાર અકસ્માતની મોટી ઘટના સામે આવી છે. પાટણના સમી- રાધનપુર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. આ ગોજારા અકસ્માતમાં છ થી વધુ લોકોના મોત થયા છે. મળતી વિગતો અનુસાર ST બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા લોકોએ જીવ ગુમાવ્યો છે. ST બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યો હતો.
અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેના કારણે મૃતદેહો અંદર જ ફસાઈ ગયા હતા. ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવામાં ક્રેઈનની મદદથી લેવામાં આવી હતી. તમામ મૃતકો રાધનપુરના વાદી વસાહતના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
ST બસે ઓવરટેકની લ્હાયમાં સર્જયો અકસ્માત
આ અકસ્માત અંગે મળતી માહિતી પ્રમાણે સમીથી રાધનપુર ઘરે પરત ફરતી વખતે રિક્ષાનો ST સાથે અકસ્માત થયો હતો. ST બસના ચાલકે ઓવરટેકની લ્હાયમાં અકસ્માત સર્જ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોરે મૃતકના પરિવારને સહાય ચૂકવવા માંગ કરી છે.
મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મળે પ્રયાસ કરવામાં આવશે તેમ ધારાસભ્યએ જણાવ્યું હતું. તો સરકાર બસ અંગે વાત કરીએ તો હિંમતનગરથી માતાના મઢ તરફ જતી ST બસે રિક્ષાને અડફેટે લીધી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી રિક્ષાનો બુકડો બોલી ગયો હતો. જ્યારે રિક્ષામાં સવાર ૬ લોકોના મોત થયા છે. સમીના ગોચનાદ નજીક આ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બસની ટક્કરથી રિક્ષામાં સવાર લોકો બસના આગળના ભાગમાં દબાઈ ગયા હતા. જ્યારે બસ રોડની બાજુમાં ખાડામાં જતી રહી હતી. અકસ્માતની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
અકસ્માત અંગે રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોરે મીડિયા સાથે વાત કરતા રહ્યું કે, ભયંકર અકસ્માત સરકારી બસ અને રીક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં વાદી વસાહતના ૬ લોકોના કરુણ મોત થયા છે. અકસ્માત બાદ તાત્કાલિક ૧૦૮ને બોલાવવામાં આવી હતી. રિક્ષામાંથી લાશોને બહાર કાઢવા માટે ક્રેઈનને પણ બોલાવવામાં આવી છે. મૃતકોના પરિવારને સહાય અપાવવા માટે હું સરકારને રજૂઆત કરીશ. મૃતકોના પરિવારોને ૪-૪ લાખ રૂપિયા CM ફંડમાંથી આપવામાં આવે તેવો હું પ્રયાસ કરીશ.