Last Updated on by Sampurna Samachar
ગીર પંથકમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ-ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો ચિંતાતુર
તૈયાર થઈ રહેલા આંબાના મોર અને નાની કેરીઓ ખરી જવાની શક્યતાને પગલે ખેડૂતો ભારે મુંઝવણમાં મુકાયા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ગીર પંથકના વાતાવરણમાં પલટો આવતા ઉના, ગીર ગઢડા અને તાલાલા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. કમોસમી વરસાદને પગલે અનેક માર્ગો પર નદીઓની જેમ પાણી વહેતા થયા હતા.

જ્યારે માળીયા હાટીના તાલુકાના અકાળા, કાલીંભડા અને વિરડી સહિતના ગામોમાં અડધો ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીના પાકને અસર થઈ છે.ગીર સોમનાથ જિલ્લો જે કેસર કેરી માટે જાણીતો છે, ત્યાં સિઝનના પ્રારંભે જ કમોસમી વરસાદ પડતા બગીચાના માલિકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. તૈયાર થઈ રહેલા આંબાના મોર અને નાની કેરીઓ ખરી જવાની શક્યતાને પગલે ખેડૂતો ભારે મુંઝવણમાં મુકાયા છે.
ફરીથી કાળઝાળ ગરમી પડશે
હવામાન વિભાગ અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હજુ આગામી ૨૪ કલાક રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના છે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ૨૪ કલાક બાદ વરસાદી માહોલ ઓસરતા જ ધીમે-ધીમે ૩થી ૫ ડિગ્રી તાપમાન વધશે અને ફરીથી કાળઝાળ ગરમી પડશે.
ગત બે દિવસ દરમિયાન તીવ્ર પવન અને ગાજવીજ સાથે પડેલા વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની અને વીજ પુરવઠો ખોરવાઈ જવાની ઘટનાઓ બની છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ખેતરોમાં ઉભેલા પાકોને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.