રાજ્યના મુખ્ય ૨૦૭ જળાશયોમાં પાણીની મબલખ આવક થઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ-કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના ખેડૂતો નિશ્ચિંત થઈને શિયાળુ પાકોનું વાવેતર કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે. હાલ ગુજરાતના તમામ જળાશયોમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વિગતવાર માહિતી આપી હતી. તેમણે આ સંદર્ભે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાલુ વર્ષ ૨૦૨૪ દરમિયાન થયેલા સાવર્ત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સહિત રાજ્યના મુખ્ય ૨૦૭ જળાશયોમાં પાણીની મબલખ આવક થઇ છે.
હાલ ગુજરાતના ૨૦૭ જળાશયની કુલ સંગ્રહ ક્ષમતા સામે ૮૮ ટકા જેટલો એટલે કે, ૭.૮૫ લાખથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે ગત વર્ષની સરખામણીએ ૪ ટકા વધુ છે. વિસ્તારવાર જોઈએ તો, ઉત્તર ગુજરાતના જળાશયોમાં ૬૫ ટકા, મધ્ય ગુજરાતના જળાશયોમાં ૯૨ ટકા, દક્ષિણ ગુજરાતના જળાશયોમાં ૯૧ ટકા, સૌરાષ્ટ્રના જળાશયોમાં ૮૬ ટકા અને કચ્છના જળાશયોમાં ૬૨ ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર જળાશયમાં પણ ૯૦ ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યના જળાશયોની પરિસ્થિતિને ધ્યાને લેતા સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ હોવાથી ખેડૂતોને શિયાળુ પાકના વાવેતરમાં સુગમતા રહેશે, તેમ પ્રવક્તા મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.