Last Updated on by Sampurna Samachar
તમાકુ પર ટેક્સ અને પાક સહાય મુદ્દે વિશાળ રેલી
ખેડૂતોને પોતાના પાકનો પૂરતો ભાવ મળી રહ્યો નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ધાનેરા તાલુકાના સામરવાડા ખાતે રાષ્ટ્રીય કિસાન સંગઠનના બેનર હેઠળ આયોજિત ‘કિસાન મહાપંચાયત‘માં ખેડૂતોનો પ્રચંડ રોષ જોવા મળ્યો હતો. આ કિસાન મહાપંચાયતમાં બનાસકાંઠા સહિત વાવ અને થરાદ પંથકમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા અને તમાકુ પર લાદવામાં આવેલો જંગી ટેક્સ અને કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાનની સહાય ન મળતા ખેડૂતોએ સરકાર સામે બાંયો ચડાવી છે.

બનાસકાંઠા ધાનેરાના સામરવાડા ખાતે આયોજિત આ કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત ખેડૂત નેતાઓએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા તમાકુના પાક પર ૬૫ ટકા જેટલો જંગી ટેક્સ ઝીંકવામાં આવ્યો છે. આ ભારેખમ ટેક્સના કારણે ખેડૂતોને પોતાના પાકનો પૂરતો ભાવ મળી રહ્યો નથી. એક તરફ ખેતીના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ સરકારના આવા ટેક્સના ભારણ હેઠળ ખેડૂતો પાયમાલ થઈ રહ્યા હોવાનો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ખેડૂતોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
ઉપરાંત, ખેડૂતોમાં કમોસમી વરસાદને લીધે થયેલા નુકસાન મુદ્દે પણ ભારે નારાજગી જાેવા મળી હતી. જેને લઈને ખેડૂતોનો આક્ષેપ છે કે, અગાઉ પડેલા કમોસમી વરસાદમાં તેમનો ચોમાસુ પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. જે મામલે સરકાર દ્વારા સહાયની જાહેરાતો તો કરવામાં આવી, પરંતુ હજુ સુધી સાચા જરૂરિયાતમંદ ખેડૂતોના ખાતામાં નાણાકીય સહાય જમા થઈ નથી. ત્યારે આર્થિક સંકટમાં મુકાયેલા ખેડૂતોએ તાત્કાલિક વળતરની માંગ કરી છે.
સામરવાડા ખાતે યોજાયેલી આ સભા પૂર્ણ થયા બાદ, તમામ ખેડૂતો ધાનેરાના લાલચોક ખાતે એકઠા થયા હતા. ત્યાંથી રાષ્ટ્રીય કિસાન સંગઠનના નેજા હેઠળ એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી. સૂત્રોચ્ચાર સાથે નીકળેલી આ રેલી નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી હતી, જ્યાં ખેડૂતોએ પોતાની વિવિધ પડતર સમસ્યાઓ અને માંગણીઓ અંગે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
હાલ આ મામલે જાે આગામી દિવસોમાં તમાકુ પર ૬૫% ટેક્સમાં ઘટાડો અને કમોસમી વરસાદને કારણે નિષ્ફળ ગયેલા ખેતી પાક અંગેની સહાય મુદ્દે સરકાર દ્વારા યોગ્ય ર્નિણય લેવામાં નહીં આવે, તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે તેવી ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે. જેથી મામલે આગળ શું પગલાં લેશે એ જાેવું રહ્યું.