Last Updated on by Sampurna Samachar
ખેડૂત આગેવાન સરવન પંઢેરે શંભુ બોર્ડર પરથી કરી મોટી જાહેરાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
શંભુ બોર્ડર પર એકઠા થયેલા ખેડૂતોએ ફરી એકવાર રાજધાની દિલ્હી તરફ કૂચ કરવાની તૈયારીઓ તેજ કરી દીધી છે. ખેડૂત નેતા સરવન સિંહ પંઢેરે પ્રેસ કોન્ફરન્સ કરી અને જાહેરાત કરી કે, ખેડૂતો ફરી એકવાર ૧૪ ડિસેમ્બરે સંપૂર્ણ તાકાત સાથે દિલ્હી તરફ કૂચ કરશે.
ખેડૂત આગેવાને કહ્યું કે, હવે ૧૪મી ડિસેમ્બરે દિલ્હી જવા રવાના થઈશું, અમારા વિરોધને ૩૦૩ દિવસ પૂરા થયા છે અને ખેડૂતોના આમરણાંત ઉપવાસને પણ ૧૫મો દિવસ પૂરો થયો છે. અમે હંમેશા ખુલ્લા દિલથી વાતચીતનો સ્વીકાર કર્યો છે. હજુ સુધી સરકાર તરફથી કોઈએ અમારો સંપર્ક કર્યો નથી. ખેડૂત નેતાએ કહ્યું કે, બંને સંગઠનોએ ર્નિણય કર્યો છે કે અમે ૧૪મીએ ૧૦૧ ખેડૂતોના ગ્રુપ સાથે દિલ્હી કૂચ કરીશું. અમે ખેડૂતોના આંદોલનની સફળતા માટે પ્રાર્થના કરીશું. અમે તે ખેડૂતોને મુક્ત કરવાની માંગ કરીએ છીએ જેમની વિરોધ દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી અથવા અટકાયત કરવામાં આવી હતી. હું ફિલ્મ સ્ટાર્સ, ગાયકો અને ધાર્મિક નેતાઓને વિનંતી કરું છું કે કૃપા કરીને પ્રદર્શન કરીને અમારા વિરોધનો પ્રચાર કરો.