Last Updated on by Sampurna Samachar
વિજાપુર પંથકમાં મગફળીનો ખેડૂતોનો ૮૦% પાક બગડ્યો
મગફળીનું વાવેતર કરનારા ખેડૂતોની હાલત કફોડી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણાનો વિજાપુર તાલુકો મગફળીના વાવેતર માટે જાણીતો છે, કેમ કે અહીં લગભગ ૮૦ ટકા વાવેતર માત્ર મગફળીનું થાય છે. પરંતુ આ વર્ષે આવેલા માવઠાએ ખેડૂતોના મોં સુધી આવેલો કોળીયો છીનવી લીધો છે. ત્યારે મહેસાણામાં મગફળીનું વાવેતર કરનારા ખેડૂતોની હાલત કફોડી બની છે.

આ એ મગફળી છે, જેનું વાવેતર ખેડૂતોએ સારી આવક થવાની આશાએ કર્યું હતુ. મગફળીનું ખેતરમાં વાવેતર કરીને રાતદિવસ મહેનત કરી. પાક તૈયાર થઈ ગયો, ખેડૂતોએ મગફળી ખેંચીને ખેતરમાં સૂકવવા માટે મુકી, પણ જેવી તૈયાર મગફળીને વેંચવા માટે લઈ જવાની હતીને કુદરત રૂઠ્યો અને ખેડૂતના માથે આવી પડયું આફતનું માવઠું.
મહેસાણા જિલ્લામાં ચોમાસામાં ૨.૭૯ લાખ હેક્ટર જમીનમાં વાવેતર
મગફળીની ખેતી કરનારા ખેડૂતોને તો રોવાના જ દિવસો આવ્યા છે, કેમ કે તૈયાર પાક ખેતરમાં હતો અને કમોસમી વરસાદ આવી ગયો, માવઠું થવાના કારણે મગફળી કાળી પડી ગઈ છે, મગફળીમાં અંકૂર ફૂટી નીકળ્યા છે, મગફળીમાં ફૂગ લાગી ગઈ છે, હવે સ્થિતિ એવી થશે કે જો ખેડૂત થોડી ઘણી બચી ગયેલી મગફળી લઈને વેચવા જશે તો વેપારી પણ મન માની કરશે અને ખેડૂતને પોષણક્ષમ ભાવ નહીં મળે.
મહેસાણા જિલ્લામાં ચોમાસાની સિઝનમાં ૨.૭૯ લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું. જેમાં સૌથી વધુ મગફળીમાં ૨૩.૨૮ કરોડનું નુકસાન થયું છે. ૭,૫૮૨ હેક્ટરમાં વાવેલા ડાંગરમાં રૂ.૧૨.૮૮ કરોડનું, અડદના પાકમાં ૧.૫૭ કરોડનું નુકશાન, ઘાસચારાને ૭.૮૯ કરોડનું અને ગુવારના પાકને ૯૪.૩૫ લાખનું નુકસાન થવા પામ્યું છે… એટલે કે જે કોળિયો ખેડૂતના મોં સુધી પહોંચ્યો હતો, તે કોળીયો માવઠાના મારથી છીનવાઈ ગયો છે.