Last Updated on by Sampurna Samachar
૨૪ ડિસેમ્બરના રોજથી શરૂ થશે ટુર્નામેન્ટ
હવે ૧૬ વર્ષ પછી ઘરેલુ વન-ડે ટૂર્નામેન્ટમાં વાપસી કરશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાઉથ આફ્રિકા સામેની વન-ડે સિરીઝની વચ્ચે વિરાટે દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ રોહન જેટલીને જાણ કરી છે કે તેઓ લિસ્ટ-એ ઘરેલુ ક્રિકેટ રમવા માટે તૈયાર છે. આનો અર્થ છે કે કોહલી વિજય હઝારે ટ્રોફીમાં દિલ્હી તરફથી રમશે.

ટૂર્નામેન્ટની શરૂઆત: ૨૪ ડિસેમ્બર
છેલ્લે રમ્યા હતા: ફેબ્રુઆરી ૨૦૧૦માં સર્વિસિસ સામે
એટલે કે લગભગ ૧૬ વર્ષ પછી ઘરેલુ વન-ડે ટૂર્નામેન્ટમાં એન્ટ્રી!
આ ર્નિણય દિલ્હી ક્રિકેટ અને ભારતીય ચાહકો માટે કોઈ ઉત્સવથી ઓછો નથી. ૩૭ વર્ષીય વિરાટ આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે અને ટી20Iને ૨૦૨૪ વર્લ્ડ કપ જીત્યા પછી અલવિદા કહી દીધું હતું. હવે તેઓ માત્ર વન-ડે ફોર્મેટમાં ભારત માટે રમે છે.
રોહિત શર્મા પણ મુંબઈ માટે વિજય હઝારે ટ્રોફી રમી શકે
ઘરેલુ ક્રિકેટમાં રમવાનો તેમનો ર્નિણય – ફોર્મને શાર્પ રાખવા, ફિટનેસને મેચ-રેડી જાળવી રાખવા અને યુવા ખેલાડીઓમાં આત્મવિશ્વાસ ભરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાંચીમાં આફ્રિકા સામે રમેલી તેમની અણનમ ૧૩૫ રનની ઇનિંગે ફરી બતાવી દીધું કે કિંગ કોહલી ઉંમરના નહીં, ક્લાસના ખેલાડી છે.
DCCA અધ્યક્ષ રોહન જેટલીએ કહ્યું, “વિરાટ કોહલીએ વિજય હઝારે ટ્રોફીમાં રમવાની ઉપલબ્ધતાની પુષ્ટિ કરી છે. તે કેટલી મેચ રમશે, તે હજી નક્કી નથી, પરંતુ તેમનો સાથ મળવો દિલ્હીના ડ્રેસિંગ રૂમ માટે મોટું બૂસ્ટ હશે.”
જણાવી દઈએ કે, વિરાટ કોહલીએ અચાનક વિજય હઝારે ટ્રોફીમાં રમવા માટે હા ભરી છે, જેનાથી ફેન્સ પણ આશ્ચર્યચકિત છે. આ પાછળનું મોટું કારણ એ છે કે, સાઉથ આફ્રિકા સામેની રાંચી વનડેમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ લેતા તેમણે પોતે કહ્યું હતું કે, “હું ક્યારેય વધારે તૈયારીનો સમર્થક રહ્યો નથી.
મારી બધી ક્રિકેટ માનસિક રહી છે. જ્યાં સુધી મને લાગે છે કે, હું માનસિક રીતે રમી શકું છું, હું મારા જીવનના દરેક દિવસે શારીરિક રીતે સખત મહેનત કરું છું. હવે તેને ક્રિકેટ સાથે કોઈ લેવાદેવા નથી. આ મારી જીવવાની રીત છે.” તો બીજી તરફ એવી પણ ખબર છે કે ટેસ્ટમાંથી સંન્યાસ લઈ ચૂકેલા રોહિત શર્મા પણ ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા મુંબઈ માટે વિજય હઝારે ટ્રોફી રમી શકે છે.