Last Updated on by Sampurna Samachar
આ વિવાદ કોચીના એક પબમાં થયેલા ઝઘડા બાદ શરૂ થયો
૧૭ સપ્ટેમ્બર સુધી ધરપકડથી વચગાળાની સુરક્ષા આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
લક્ષ્મી મેનન જાણીતી મલયાલમ અભિનેત્રી છે. આજકાલ તે એક કિડનેપિંગ કેસને કારણે ચર્ચામાં છે. હાલ આ મામલાની તપાસ ચાલી રહી છે. અભિનેત્રીનું નામ એક અપહરણ અને મારપીટના કેસમાં સામે આવ્યું છે. શરૂઆતી રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે એક આઇટી કર્મચારીનું અપહરણ દરમિયાન અભિનેત્રી આરોપીઓ સાથે કારમાં હાજર હતી. આ વિવાદ કોચીના એક પબમાં થયેલા ઝઘડા બાદ શરૂ થયો હતો.
પોલીસ તપાસ બાદ આ મામલો કેરળ હાઈકોર્ટમાં પહોંચ્યો, જ્યાં અભિનેત્રી લક્ષ્મી મેનનને મોટી રાહત મળી. જસ્ટિસ બેકુ કુરિયન થોમસે તેને ૧૭ સપ્ટેમ્બર સુધી ધરપકડથી વચગાળાની સુરક્ષા આપી છે અને તે જ દિવસે તેની અરજી પર ફરીથી સુનાવણી થશે.
શાનદાર એક્ટિંગના કારણે એક ખાસ ઓળખ બનાવી
ઘટના રવિવાર, ૨૪ ઓગસ્ટની રાત્રે બની હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ, બારમાં થયેલા ઝઘડા બાદ કેટલાક લોકોએ ૨૭ વર્ષના એક આઇટી કર્મચારીનું અપહરણ કર્યું અને બાદમાં તેને કોચીમાં છોડી દીધો. આ દરમિયાન તેની સાથે મારપીટ પણ કરવામાં આવી. આ મામલે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે.
અત્યાર સુધીમાં મળેલી માહિતી મુજબ, મલયાલમ અભિનેત્રી લક્ષ્મી મેનન પર કોચીમાં એક પ્રોફેશનલ યુવકનું અપહરણ અને તેની સાથે મારપીટ કરવાનો આરોપ છે. એવા સમાચાર પણ છે કે અભિનેત્રીના એક મિત્રની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.
ફરિયાદકર્તાનો આરોપ છે કે, હું અને મારા મિત્રો પબમાંથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે લક્ષ્મી અને તેના સાથીઓએ મારો પીછો કર્યો. બાદમાં આરોપીઓએ તેની કાર રોકીને મને જબરદસ્તી બહાર કાઢ્યો અને બીજી ગાડીમાં બેસાડીને મારપીટ કરી. રિપોર્ટ્સ મુજબ, તે સમયે લક્ષ્મી મેનન પણ એ જ કારમાં હાજર હતી. આ ઘટનાના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે, જેમાં લક્ષ્મી એ લોકો સાથે દલીલ કરતી જોવા મળી રહી છે.
કોચી પોલીસ કમિશનરના નિવેદન મુજબ, બારમાં ઝઘડો થયો હતો. બાદમાં આરોપીઓએ આઇટી કર્મચારીની કારને એર્નાકુલમ નોર્થ બ્રિજ પાસે રોકી અને એક વ્યક્તિનું અપહરણ કર્યું. લક્ષ્મી મેનન એક અભિનેત્રી છે, જે તમિલ સિનેમામાં પોતાની પ્રતિભા માટે જાણીતી છે. અભિનેત્રીએ પોતાના કરિયરની શરૂઆત ૨૦૧૧માં મલયાલમ ફિલ્મ રઘુવિન્તે સ્વાન્થમ રજિયામાં એક સપોર્ટિંગ રોલથી કરી હતી.
બાદમાં તે ૨૦૧૨માં તમિલ ફિલ્મ સુંદરા પાંડિયનમાં લીડ રોલમાં જોવા મળી હતી. તેણે પોતાની શાનદાર એક્ટિંગના કારણે એક ખાસ ઓળખ બનાવી છે. તેને એક ફિલ્મફેર એવોર્ડ સાઉથ, એક તમિલનાડુ રાજ્ય ફિલ્મ એવોર્ડ અને બે સાઉથ ઇન્ડિયન ઇન્ટરનેશનલ મૂવી એવોર્ડ પણ મળ્યા છે.