Last Updated on by Sampurna Samachar
ભૂવનેશ્વર હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયુ નિધન
આગવી શૈલીમાં ગીતો ગાઈને લોકોના દિલોમાં સ્થાન બનાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોલાંગીર જિલ્લાના તિતલાગઢમાં જન્મેલા અને દેશ દુનિયામાં જેમણે તેમની આગવી શૈલીમાં ગીતો ગાઈને લોકોના દિલોમાં સ્થાન બનાવ્યું હતું એવા પ્રખ્યાત ગાયક હ્યુમન સાગરનું ૩૬ વર્ષની વયે અવસાન થયું છે.

ઓડિશાના લોકપ્રિય ગાયક હ્યુમન સાગર જે તેમની અનોખી ગાયકી શૈલી માટે દુનિયા ભરમાં જાણીતા બન્યા હતા તેમનું ભુવનેશ્વરમાં ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ખાતે સારવાર દરમિયાન અવસાન થયું છે.
મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ શોક વ્યક્ત કર્યો
ભુવનેશ્વરમાં ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ખાતે સારવાર દરમિયાન ભરતી થયેલા લોકપ્રિય ગાયક હ્યુમન સાગરના મૃત્યુનું કારણ સામે આવ્યું છે, જેમાં સાગર ન્યુમોનિયા, એક્યુટ ઓન ક્રોનિક લિવર ફેલ્યોર, મલ્ટી-ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમ જેવી ગંભીર સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા. નિદાન થયા બાદ પ્રીમિયર હેલ્થ સેન્ટરમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમણે સોમવારે રાત્રે ૯:૦૮ વાગ્યે અંતિમ શ્વાસ લીધા.
ઓડિશાના લોકપ્રિય ગાયક હ્યુમન સાગરનું અંગત જીવન પણ કષ્ટદાયક રહ્યું હતું. વર્ષ ૨૦૨૩માં , તેમની પત્નીએ તેમના પર ઘરેલુ હિંસા, દહેજની માંગણીઓ અને ધાર્મિક દબાણનો આરોપ લગાવ્યો હતો જે બાદ આ સમગ્ર મામલાએ સમાચાર પત્રો અને મીડિયામાં મોટું તૂત પકડી લીધું હતું જેના કારણે તેમના પર કાનૂની કાર્યવાહી પણ થઈ અને જાહેર તપાસ થઈ હતી જેના કારણે તેમની ગાયક તરીકેની છબી પર મોટી અસર પડી હતી.
મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ સાગરના અકાળ અવસાન પર શોક વ્યક્ત કર્યો. તેમના શોક સંદેશમાં, મુખ્યમંત્રી માંઝીએ કહ્યું, “પ્રખ્યાત પ્લેબેક ગાયક હુમેન સાગરના અવસાનના સમાચાર સાંભળીને મને ખૂબ દુ:ખ થયું છે. તેમનું મૃત્યુ આપણા સંગીત અને સિનેમા માટે એક અપૂર્ણ નુકસાન છે. હું શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને દિવંગત આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ.”