Last Updated on by Sampurna Samachar
બંને એકબીજાના હાથમાં હાથ નાખી સ્ટેજ પર પહોંચ્યા
અખિલેશ સિંહ, જયા બચ્ચન સહિતના દિગ્ગજો રહ્યા હાજર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહ અને સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજે સગાઇ કરી છે. તેમની સગાઇનું લખનઉની ૫-સ્ટાર હોટલમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે પૂર્વ ક્રિકેટર પ્રવીણ કુમાર, પિયુષ ચાવલા અને ઉત્તર પ્રદેશ રણજી ટીમના કેપ્ટન આર્યન જુયાલ સહિતના મહેમાનો પહોંચ્યા હતા.
રિંકુ સિંહ (RINKU SINGH) અને પ્રિયા સરોજ બંને એકબીજાના હાથમાં હાથ નાખી સ્ટેજ પર પહોંચ્યા હતા અને રિંગ સેરેમની યોજાઈ હતી. અખિલેશ સિંહ, જયા બચ્ચન સહિતના દિગ્ગજો પણ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. સગાઈ માટે બંનેએ એકબીજા માટે સ્પેશિયલ રિંગ મગાવી હતી. પ્રિયાએ કોલકાતાથી ડિજાઈનર રીંગ ખરીદી હતી જોકે રિંકુએ મુંબઈથી ખાસ અંગૂઠી મંગાવી હતી. જેની કિંમત આશરે અઢી લાખ રૂપયા જણાવવામાં આવી છે.
૩૦૦ મહેમાનોને પાસથી એન્ટ્રી આપવામાં આવી
હોટલમાં રિંગ સેરેમની માટે ૧૫ રૂમ બુક કરવામાં આવ્યા હતા, જેમાંથી ૫ રૂમ રિંકુના મિત્રો માટે રિઝર્વ રખાયા હતા. આ સગાઈ સમારોહમાં અખિલેશ યાદવ, ડિમ્પલ યાદવ અને પ્રિયાના સાંસદ મિત્ર ઇકરા હસન પણ હાજર રહ્યા હતા. સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. ૩૦૦ મહેમાનોને સ્પેશિયલ પાસથી એન્ટ્રી આપવામાં આવી હતી, જેમાં બારકોડ સ્કેનિંગ સિસ્ટમ લગાવવામાં આવી હતી.
રિંકુના પરિવારના સભ્યો, તેમના ભાઈ, બહેન અને અન્ય સંબંધીઓ સગાઈના પ્રસંગે મસ્તી કરતા અને સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. આ દરમિયાન, પરિવારના સભ્યો અને તેમના મહેમાનોએ લખનવી ભોજનનો આનંદ માણ્યો હતો. હોટલના ‘ફલકર્ન હોલ‘ ને સગાઈ સમારોહ માટે પસંદ કરવામાં આવ્યો હતો. તેમજ ભોજનમાં લખનવી ડીશનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં રિંકુ અને પ્રિયાની ફેવરીટ ડિશનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
જાન્યુઆરીમાં કેરાકતથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અને પ્રિયા સરોજના પિતા તુફાની સરોજે જણાવ્યું હતું કે તેમના પરિવારે અલીગઢમાં રિંકુ સિંહના પિતા સાથે બંનેના સંભવિત લગ્ન વિશે ચર્ચા કરી હતી. બંને પરિવારો સંબંધ માટે રાજી થઈ ગયા હતા. તુફાની સરોજેએ પણ જણાવ્યું હતું કે, ‘પ્રિયાની મુલાકાત રિંકુ સાથે એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી, જેના પિતા પણ ક્રિકેટર છે. રિંકુ અને પ્રિયા એકબીજાને એક વર્ષથી વધુ સમયથી જાણે છે. તેઓ બંને એકબીજાને પસંદ કરતા હતા, પરંતુ સંબંધ માટે તેમને પોતાના પરિવારોની સંમતિની જરૂર હતી. હવે બંને પરિવારો આ લગ્ન માટે સંમત થઈ ગયા હતા.
વારાણસીના કરખિયાંવ ગામના રહેવાસી પ્રિયા સરોજ ઘણા વર્ષોથી સમાજવાદી પાર્ટી સાથે સક્રિય રીતે જોડાયેલા છે. ૨૦૨૪ માં તે જૌનપુર જિલ્લાના મછલીશહર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા લોકસભા માટે ચૂંટાયા હતા. સુપ્રીમ કોર્ટના પૂર્વ વકીલ પ્રિયા પહેલીવાર ૨૦૨૨ ના ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન પોતાના પિતા માટે પ્રચાર કરતા ચર્ચામાં આવ્યા હતા. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી કલામાં ડિગ્રી અને નોઇડાના એમિટી યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી છે.