Last Updated on by Sampurna Samachar
શીરને કહ્યુ કે તેની પાસે પર્ફોમન્સની મંજુરી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતમાં મેથેમેટિક્સ ટૂર થીમ પર કોન્સર્ટ કરી રહેલા પ્રખ્યાત બ્રિટિશ સિંગર એડ શીરન બેંગ્લુરૂમાં મુશ્કેલીમાં મૂકાયો હતો. તેને બેંગ્લુરૂમાં રસ્તા પર પર્ફોર્મન્સ કરવું ભારે પડ્યું હતું. બેંગ્લુરૂ પોલીસે ચાલુ પર્ફોર્મન્સમાં તેને અધવચ્ચે અટકાવી કાર્યક્રમ બંધ કરાવ્યો હતો.
બેંગ્લુરૂમાં ચર્ચ સ્ટ્રીટ પર એડ શીરને પર્ફોર્મન્સ શરૂ કરતાં ભીડ એકઠી થઈ હતી. કોન્સર્ટ જેવો માહોલ સર્જાયો હતો. ચાલુ કોન્સર્ટમાં અચાનક પોલીસ આવી હતી. અને તેણે માઈક અને ગિટાર લઈને પરફોર્મન્સ બંધ કરવા આદેશ આપ્યો હતો. ભીડને પણ જતાં રહેવા કહ્યું હતું. આ ઘટનાથી ચાહકો હેબતાઈ ગયા હતાં.
આ સમગ્ર ઘટનાનો ચાહકો દ્વારા વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જેમાં એડ શીરને કહ્યું હતું કે, અમારી પાસે અહીં રહેવાની મંજૂરી છે. પરંતુ પોલીસ તેમને રોકી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો હતો. થોડા કલાકો બાદ શીરને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ લખ્યું હતું કે, તેની પાસે પર્ફોર્મન્સ કરવાની મંજૂરી હતી. આ અચાનક થયેલું પર્ફોર્મન્સ ન હતું. પરંતુ તેની મંજૂરી લેવામાં આવી હતી.
બીજી તરફ પોલીસે આ પર્ફોર્મન્સની મંજૂરી આપી ન હોવાનો દાવો કર્યો હતો. પોલીસે જણાવ્યું કે, કોઈપણ મંજૂરી વિના જાહેર સ્થળ પર આટલી મોટી સંખ્યામાં ભીડ એકઠી કરવી ગુનો છે. સેન્ટ્રલ બેંગ્લુરૂના DCP શેખર ટી. ટેક્કન્નાનવરે જણાવ્યું હતું કે, કાર્યક્રમના આયોજકોમાંથી એક વ્યક્તિ મંજૂરી માગવા આવ્યો હતો. પરંતુ મેં તે સ્થળ પર સામાન્ય રીતે જ ભારે ભીડ હોવાથી મંજૂરી આપી ન હતી. વિશ્વના લોકપ્રિય સિંગર્સ પૈકી એક બ્રિટિશ સિંગર એડ શીરન પોતાની ગાયિકીથી કરોડોની સંખ્યામાં ચાહકોને મંત્રમુગ્ધ કરે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના ૪૮.૫ મિલિયન ફોલોઅર્સ છે. પોતાની આકર્ષક ગાયિકીના કારણે તેણે અત્યારસુધીમાં ચાર ગ્રેમી એવોર્ડ જીત્યા છે. તેની નેટવર્થ રૂ. ૫૬૧ કરોડ છે.