Last Updated on by Sampurna Samachar
જયપુરમાં કાર-ટ્રેલર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત
એક પરિવારના પાંચનાં મોત
(સંપૂર્ણ સમાચાર સેવા)
જયપુર-દોસા નેશનલ હાઈવે પર ભીષણ માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના કમકમાટીભર્યા મોત થયાનુ સામે આવ્યુ છે. આ દુર્ઘટના મનોહરપુર નજીક નેકાવાલા ટોલ પ્લાઝા નજીક ઘટી હતી. જ્યાં એક કાર અને ટ્રેલર સામ-સામે અથડાયા હતા. મૃતકોમાં એક ૧૨ માસનું બાળક અને બે મહિલાઓ સામેલ છે. તમામ મૃતક એક જ પરિવારના છે. તેઓ ખાટૂ શ્યામ મંદિર દર્શનાર્થે જઈ રહ્યા હતાં.
આ અકસ્માત એટલો ભયાવહ હતો, કારનો કચ્ચરઘાણ થયો હતો. કારમાં ફસાયેલા બે ઘાયલોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતાં. આ અકસ્માત ઓવરટેકના કારણે સર્જાયો હોવાનું પ્રારંભિક ધોરણે જાણવા મળ્યું છે. એક વાહનને ઓવરટેક કરવાના પ્રયાસમાં કાર ટ્રેલરમાં ઘૂસી હતી. આ દુ:ખદ ઘટના બાદ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો. સૂચના મળતાં જ સ્થાનિક પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. તેણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસે મૃતકોના શબ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.
ર્હદયદ્રાવક ઘટનાથી શોકનો માહોલ
આ ભયાનક અકસ્માતમાં મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી. પરંતુ પોલીસનું કહેવું છે કે, તે તમામ એક જ પરિવારના સભ્ય હતાં. તેઓ ખાટૂ શ્યામ દર્શન કરવા જઈ રહ્યા હતાં. આ ર્હદયદ્રાવક ઘટનાથી આખા વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ટ્રેલરને જપ્ત કરવામાં આવ્યું છે. ટ્રેલર ચાલકની ઓળખ થઈ રહી છે. પ્રારંભિક ધોરણે ઘટના કાર ચાલકની બેદરકારીના કારણે સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે. જાે કે, તપાસ હજુ ચાલુ છે. આ ઘટનાએ ફરી એકવાર નેશનલ હાઈવે પર સુરક્ષિત ડ્રાઈવિંગ અને ટ્રાફિક નિયમોના પાલનની આવશ્યકતા પર ભાર મૂક્યો છે.