Last Updated on by Sampurna Samachar
દિલ્હીમાં મોતના ખાડામાં પડવાથી નિર્દોષ યુવકનુ મોત
આખી રાત પોલીસ સ્ટેશનના ધક્કા ખાતો રહ્યો પરિવાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના નોઈડામાં તંત્રના પાપે એન્જિનિયર યુવરાજનું મોત થયા બાદ હવે દિલ્હીમાં પણ ‘મોતના ખાડા’માં બાઈક સાથે પડી જવાથી એક યુવાનનું મોત થયું છે. કમલ નામનો યુવક ઓફિસથી ઘરે જઈ રહ્યો હતો, ત્યારે અચાનક તેનું બાઈક એક ઊંડા ખાડામાં પડી જતા તેનું મોત થયું છે. પરિવારજનોએ પુત્રના મોતને લઈને તંત્ર અને પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ, દિલ્હીના રોહિણી વિસ્તાનો રહેવાસી કમલ ઓફિસથી ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન તેની પરિવાર સાથે સતત વાતચીત ચાલી રહી હતી, જોકે તે સમયસર ઘરે ન પહોંચતા પરિવારજનો ચિંતિત થઈને તેને શોધવા માટે નીકળી પડ્યા હતા. પરિવારજનોએ જનકપુરી, સાગરપુર, વિકાસપુરી તેમજ રોહિણી પોલીસ સ્ટેશન સહિત અડધથી વધુ સ્ટેશનમાં ધક્કા ખાધા હતા, જાેકે એકપણ પોલીસ સ્ટેશને ફરીયાદની ગંભીરતા લીધી ન હતી.
અકસ્માત અંગે તપાસ હાથ ધરાઇ
પરિવારજનોએ કહ્યું કે, સવારે લગભગ ૭.૩૦ કલાકે ફોન આવ્યા બાદ પુત્રના મોતની જાણ થઈ હતી. ઘટનાસ્થળે એક ખુલ્લા અને મોટા ખાડામાં કમલ બાઈક સાથે પડેલો જોવા મળ્યો હતો. પરિવારે તંત્રની બેદરકારીના કારણે કમલનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે, આ અકસ્માત નથી, પરંતુ કોઈએ તેની હત્યા કરીને મૃતદેહને ખાડામાં ફેંકી દીધો હોવાની આશંકા છે.
ઘટનાસ્થળે રસ્તા પર એક મોટો અને ખુલ્લો ખાડો હતો. ખાડા પાસે કોઈપણ બેરિકેડ લગાવેલું ન હતું. પ્રાથમિક રિપોર્ટ મુજબ, સ્થળ પર રાત્રે અંધારું હતું, જેના કારણે યુવકની બાઈક ખાડા તરફ ધસી ગઈ હતી, જેમાં તેનું મોત થઈ ગયું.
સ્થાનિક લોકોએ તંત્ર પર ગંભીર બેદરાકીનો આક્ષેપ કરતાં કહ્યું છે કે, સ્થળ પર લાઈટ પણ નથી અને ચેતવણીનું બોર્ડ પણ લગાવાયું નથી. એટલું જ નહી આટલો મોટો ખાડો છતાં ત્યાં બેરીકેડ પણ ન હતું. આ ખાડો ઘણા સમયથી ખુલ્લો હતો. પોલીસે કહ્યું છે કે, અકસ્માત અંગે તમામ પાસાઓને ધ્યાને રાખીને તપાસ કરવામાં આવી રહી છે.