Last Updated on by Sampurna Samachar
ત્રણ મુસાફરો નકલી વિઝા સાથે ઇમિગ્રેશન ક્લિયર કરવા આવ્યા
પાસપોર્ટમાં ચોંટાડેલા ફ્રેન્ચ D–ટાઈપ વિઝા શંકાસ્પદ લાગ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરી એકવાર મોટું નકલી વિઝા રેકેટ ઝડપાયું છે. આ વખતે તમિલનાડુ આધારિત એજન્ટોનું નેટવર્ક ભારતીય યુવાનોને નકલી ફ્રેન્ચ D–ટાઈપ (લોંગ ટર્મ) વિઝા આપીને યુરોપ મોકલવાના નામે લાખો રૂપિયા પડાવી રહ્યું હતું. ૨૮ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ત્રણ મુસાફરો નકલી વિઝા સાથે ઇમિગ્રેશન ક્લિયર કરવા આવતા આ રેકેટનો પર્દાફાશ થયો હતો.

આ ત્રણેય મુસાફરો – નવવિરાજ સુબ્રમણ્યમ, મોહન ગાંધી એલંગોવન અને પ્રભાકરન સેન્થિલકુમાર તમિલનાડુના વતની હતા. તેઓ ટર્મિનલ-૩ પર ફ્રાન્સ જવાની ફ્લાઇટ માટે ઇમિગ્રેશન કાઉન્ટર પર પહોંચ્યા હતા. પરંતુ ઇમિગ્રેશન અધિકારીઓને તેમના પાસપોર્ટમાં ચોંટાડેલા ફ્રેન્ચ D–ટાઈપ વિઝા શંકાસ્પદ લાગ્યા હતા. વિઝામાં જરૂરી સુરક્ષા ફીચર્સ (હોલોગ્રામ, યુવી પ્રિન્ટ વગેરે) જોવા મળ્યા ન હતા. આ બાદ, પ્રાથમિક તપાસ કરતા જ તે વિઝા નકલી હોવાનું સાબિત થયું હતું.
ગેંગે ઓછામાં ઓછા ૧૬ યુવાનોને છેતર્યા
પૂછપરછમાં ખુલાસો થયો કે, નવવિરાજે પોતાના ભાઈ દ્વારા આ વિઝા માટે ૬ લાખ રૂપિયા ચૂકવ્યા હતા, જ્યારે બાકીના બે યુવાનોએ નમક્કલ (તમિલનાડુ)ના એજન્ટને ૧૨-૧૨ લાખ રૂપિયા આપ્યા હતા. તેમને વચન અપાયું હતું કે, ફ્રાન્સમાં પેરિસના વેરહાઉસમાં મોટી સેલરીવાળી નોકરી મળશે.
આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા તથા પાસપોર્ટ એક્ટ હેઠળ FIR નોંધાઈ હતી. આ બાદ, પોલીસે ટીમ બનાવી અને તમિલનાડુમાં દરોડા પાડ્યા હતા. સ્થાનિક પોલીસની મદદ તથા ટેક્નિકલ સર્વેલન્સના આધારે મુખ્ય આરોપી વી. કન્નનની નમક્કલથી ધરપકડ કરવામાં આવી હતી.કન્નને પૂછપરછમાં કબૂલાત કરી કે, તે પરમથીમાં સરકારી ITI સાથે જોડાયેલો છે અને વેલ્લોરમાં “વેત્રી ઓવરસીઝ” નામની ફોરેન એજ્યુકેશન કન્સલ્ટન્સી ચલાવે છે.
તે પોતાના પાર્ટનર સાથિક સૈયદ ઉર્ફે અબ્દુલ હકીમ સાથે મળીને આ કામ કરતો હતો. બંને યુવાનોને ફ્રાન્સમાં વેરહાઉસ જોબનું લાલચ આપી, નકલી ઇન્ટરવ્યુ કરાવી, લાખો રૂપિયા વસૂલી અને પછી નકલી વિઝા ચોંટાડી દેતા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં આ ગેંગે ઓછામાં ઓછા ૧૬ યુવાનોને છેતર્યા છે. મોટા ભાગના પીડિતો તમિલનાડુના જ છે. હાલ સાથિક સૈયદ ફરાર છે અને તેની શોધ ચાલુ છે. પોલીસને શંકા છે કે, આ નેટવર્ક અન્ય રાજ્યોમાં પણ સક્રિય હોઈ શકે છે અને પહેલાંના કેટલાક નકલી વિઝા કેસ સાથે પણ જોડાયેલું હોઈ શકે છે.
આ ઘટના ફરી એકવાર વિદેશ જવાના સપના દેખાડી લાખો રૂપિયા લૂંટતા એજન્ટોની કાળી કમાણી સામે ચેતવણીરૂપ છે. નિષ્ણાતોનું કહેવું છે કે, વિદેશ જતા પહેલાં વિઝા અને જોબ ઓફરની ઓફિશિયલ વેબસાઈટ પર ચકાસણી કરાવવી જરૂરી છે, નહીંતર લાખો રૂપિયા અને સમય બંને બરબાદ થઈ શકે છે.