Last Updated on by Sampurna Samachar
હર્ષવર્ધન હવાલાનો અને લાયઝનિંગના ધંધાનો ખેલાડી
STF ને કેટલાક દસ્તાવેજ હાથ લાગ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં નકલી દૂતાવાસના કેસમાં ભેજાબાજ હર્ષવર્ધન જૈનની ધરપકડ કરાયા બાદ રોજબરોજ નવા-નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. નોઈડા STF ના અધિકારીઓએ કહ્યું કે, હર્ષવર્ધનના બી-૩૫ કવિનગરના મકાનમાંથી દસ્તાવેજ જપ્ત કરાયા છે, જેમાં ભેજાબાજે એહસાન અલી સૈયદ સાથે મળીને વિદેશમાં ૨૫ કંપનીઓ રજિસ્ટર્ડ કરાવી હોવાનો અને અનેક બેંક એકાઉન્ટ ધરાવતો હોવાનો ખુલાસો થયો છે.
હર્ષવર્ધનના વિદેશમાં અનેક એકાઉન્ટ હોવાનો, ૧૦ વર્ષમાં ૧૬૨ વખત વિદેશ યાત્રા કરી હોવાની પણ માહિતી સામે આવી છે. હર્ષવર્ધનને કસ્ટડી રિમાન્ડ લેવા માટે પોલીસે કોર્ટમાં અરજી કરી છે અને આ મામલે સુનાવણી હાથ ધરાશે.
૧૨ ડિપ્લોમેટિક પાસપોર્ટ મળી આવ્યા
ઉત્તર પ્રદેશની STF જણાવ્યું છે કે, હર્ષવર્ધન ૩૦૦ કરોડથી વધુના કૌભાંડમાં સામેલ છે, જેની તપાસ ચાલી રહી છે. તેણે વિદેશમાં લોન આપવાના નામે કૌભાંડ કર્યું છે. આ ઉપરાંત અન્ય કેટલાક કૌભાંડની પણ તપાસ ચાલી રહી છે. STF ના દાવા મુજબ હર્ષવર્ધન હવાલાનો અને લાયઝનિંગના ધંધાનો ખેલાડી હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું છે. જાણીતા વ્યક્તિ ચંદ્રાસ્વામીએ હર્ષવર્ધનની મુલાકાત સાઉદીમાં હથિયારોના ડિલર અદનામ ખગોશી તથા લંડનમાં એહસાન અલી સૈયદ સાથે કરાવી હતી.
હૈદરાબાદનો રહેવાસી એહસાન અલી સૈયદ પાસે તુર્કેઈની નાગરિકતા છે. ચંદ્રાસ્વામીએ હર્ષવર્ધનને સૈયદ સાથે લંડન મોકલ્યો હતો. બંનેએ ભેગા મળી લંડનમાં અનેક શેલ કંપનીઓ ઉભી કરી હતી. આ મામલે તપાસ કરી રહેલી STF ને કેટલાક દસ્તાવેજ હાથ લાગ્યા છે, જેમાં અત્યાર સુધીમાં ૨૫ થી વધુ કંપનીઓ ઉભી કરી હોવાનો અને કંપનીઓનો ડેટા પણ હર્ષવર્ધન પાસે હોવાની વિગતો સામે આવી છે.
હર્ષવર્ધનના દુબઈમાં છ, મોરેશિયસમાં એક, યુકેમાં ત્રણ તથા ભારતમાં એક બેંક એકાઉન્ટ હોવાની અને બે પાનકાર્ડ હોવાની માહિતી સામે આવી છે. હાલ આ બેંક એકાઉન્ટની તપાસ ચાલી રહી છે. પાનકાર્ડના આધારે દેશ-વિદેશમાં બેંક એકાઉન્ટ ખોલ્યા હોવાની જાણ થયા બાદ તપાસ શરૂ કરી દેવાઈ છે.
પાસપોર્ટની તપાસ કરાયા બાદ હર્ષવર્ધને ૨૦૦૫થી ૨૦૧૫ દરમિયાન ૧૦ વર્ષમાં ૧૯ દેશોમાં ૧૬૨ વખત વિદેશ પ્રવાસ કર્યો છે. તેણે સૌથી વધુ યુએઈમાં ૫૪ વખત, યુકેમાં ૨૨ પ્રવાસ કર્યો છે. આ ઉપારાંત મોરેશિયસ, ફ્રાન્સ, કેમરૂન, પોલેન્ડ, શ્રીલંકા, તુર્કી, ઇટાલી, સેબોર્ગો, ઇન્ડોનેશિયા, સાઉદી અરેબિયા, સિંગાપોર, મલેશિયા, જર્મની અને થાઇલેન્ડનો પણ પ્રવાસ કરેલો છે.
પોલીસે હર્ષવર્ધનના કસ્ટડી રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં અરજી કરી છે, જેની સુનાવણી હાથ ધરવામાં આવશે. ઉત્તર પ્રદેશ STF ની નોઈડા શાખાના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ રાજકુમરા મિશ્રાએ કહ્યું કે, ‘કવિનગર પોલીસે હર્ષવર્ધનની કસ્ટડી રિમાન્ડ માટે સ્થાનીક કોર્ટમાં અરજી કરી છે, ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવશે. આરોપી પાસેથી સર્વોગા સહિત અન્ય નાના દેશોના ૧૨ ડિપ્લોમેટિક પાસપોર્ટ મળી આવ્યા છે.