Last Updated on by Sampurna Samachar
ઠગિયાઓએ લોકો પાસેથી ૨૭ લાખથી વધુ પડાવ્યા હતા
અઠવાલાઇન્સ પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતમાં નોકરી આપવાના નામે છેતરપિંડી કરનારા બે આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. આ બે આરોપીઓ પોસ્ટ વિભાગમાં નોકરી આપવાના બહાને છેતરપિંડી કરતા હતા. સુરત પોલીસ દ્વારા બ્રિજ ઉર્ફે બ્રિજેશ પટેલ અને ભૂપેન્દ્ર શર્મા નામના આરોપીઓની આ મામલે ધરપકડ કરી છે. આ બંને આરોપીઓએ નોકરી અપાવવાના બહાને લોકો પાસેથી ૨૭ લાખથી વધુ પડાવ્યા હતા.

સુરતમાં પોસ્ટ વિભાગમાં નોકરી આપવાના નામે લોકોને છેતરવામાં આવતા હોવાની વિગત અઠવાલાઈન્સ પોલીસને મળી હતી. જે બાદ પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. આ મામલે પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા હતા. આ આરોપીઓએ પોસ્ટ વિભાગની ફેક વેબસાઇટ બનાવી હતી. આ સમગ્ર મામલે અઠવાલાઇન્સ પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોસ્ટ વિભાગની નકલી વેબ સાઈટ બનાવાઇ
આ આરોપીઓ દ્વારા પોસ્ટ વિભાગમાં નોકરી આપવાના બહાને સમગ્ર રાજ્યમાં નકલી ફોર્મ ભરાવી છેતરપિંડી આચરી હતી. અઠવાલાઇન્સ પોલીસ દ્વારા આરોપી બ્રિજ ઉર્ફે બ્રીજેશ મુકેશભાઈ પટેલ અને ભુપેન્દ્રકુમાર શર્માને ઝડપી લીધા છે. આરોપીઓ દ્વારા સુરતના ત્રણ યુવકો પાસેથી પોસ્ટમાં નોકરી અપાવવાના નામે રૂપિયા ૧૬.૯૦ લાખ પડાવી લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત આરોપીઓ દ્વારા સમગ્ર રાજ્યમાં અન્ય ૧૩ વ્યક્તિઓ પાસેથી રૂપિયા ૨૭.૫૦ લાખ પડાવીને છેતરપિંડી કરવામાં આવી છે. પકડાયેલા આરોપીમાંથી બ્રિજ પટેલ અમદાવાદની આલ્ફા કોલેજ ખાતે બી.ઇ કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. જેથી તે પોતે એથિકલ હેકિંગ તેમજ વેબ સાઇટ ડેવલોપિંગ અંગેનુ જ્ઞાન ધરાવે છે.
જે કારણે આરોપી બ્રિજ પટેલે અન્ય આરોપી મિત્ર ભુપેન્દ્રકુમારની મદદથી પોસ્ટ વિભાગની નકલી વેબ સાઈટ બનાવી હતી. હાલ સમગ્ર મામલે અઠવાલાઇન્સ પોલીસ દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.