Last Updated on by Sampurna Samachar
વડોદરામાં ખાનગી બેંક ખાતાધારક વિરુદ્ધ ફરિયાદ
બેંકના અધિકારીની ફરિયાદને આધારે ક્રાઈમ બ્રાન્ચે નોંધી ફરિયાદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
નિઝામપુરા વિસ્તારમાં આવેલી એક ખાનગી બેંકના કેશ ડિપોઝિટ મશીનમાંથી રૂ. ૫૦૦ ના દરની ૧૭ નકલી નોટો મળી આવતા ચકચાર મચી ગઈ છે. બેંકના અધિકારીની ફરિયાદને આધારે ક્રાઈમ બ્રાન્ચે એક ખાતાધારક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સુભાનપુરા સ્થિત એક્સિસ બેંકમાં કેશિયર સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા અધિકારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, બેંક દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મુકવામાં આવેલા કેશ ડિપોઝિટ મશીનોમાંથી રોકડ એકત્ર કરવાનું કામ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કરવામાં આવે છે.
નકલી નોટો મામલે તપાસનો ધમધમાટ
મળતી માહિતી મુજબ જ્યારે નિઝામપુરા ખાતેના મશીનમાંથી કેશ કલેક્ટ કરવામાં આવી, ત્યારે તપાસ દરમિયાન રૂ. ૫૦૦ના દરની ૧૭ નોટો શંકાસ્પદ જણાઈ હતી. આ નોટો મશીનના રિજેક્શન અથવા અલગ બોક્સમાંથી મળી આવી હતી, જે બેંકની ચકાસણીમાં બોગસ સાબિત થઈ હતી.
બેંક દ્વારા આ મામલે આંતરિક તપાસ કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે, આ તમામ ડુપ્લીકેટ નોટો વિક્રમસિંહ રાજ પુરોહિત નામના ગ્રાહકના ખાતામાં જમા કરાવવામાં આવી હતી. ગ્રાહકે કુલ રૂ. ૪૪,૫૦૦નું ભરણું કર્યું હતું, જેમાં આ ૧૭ નકલી નોટોનો સમાવેશ થતો હતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમો મુજબ જો કોઈ ખાતાધારકના ભરણામાંથી ૫ કે તેથી વધુ નકલી નોટો મળી આવે, તો બેંકે ફરજિયાતપણે પોલીસ ફરિયાદ નોંધાવવી પડે છે. આ નિયમને આધીન રહીને બેંક અધિકારીએ ગ્રાહક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
બેંકની ફરિયાદના આધારે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આ નકલી નોટો ગ્રાહક પાસે ક્યાંથી આવી? શું આ કોઈ મોટા રેકેટનો ભાગ છે કે ગ્રાહકની અજાણતામાં આ નોટો મશીનમાં પહોંચી?