Last Updated on by Sampurna Samachar
પોલીસે રૂ. ૮.૨૯ લાખનો નકલી કોસ્મેટિક્સનો મુદ્દામાલ જપ્ત
પ્રોડક્ટ્સને મૂળ કિંમતથી અડધી કિંમતે ઓનલાઈન વેચાણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાંથી બ્રાન્ડેડ કોસ્મેટિક્સના નામે નકલી પ્રોડક્ટ બનાવતા અને તેને ઓનલાઈન વેચતા એક કારખાનાનો પર્દાફાશ થયો છે. પોલીસ કાર્યવાહી દરમિયાન પોલીસે હિતેશ ભરત કાતરિયા નામના આરોપીની ધરપકડ કરી છે અને આ કેસમાં અંદાજે રૂ. ૮.૨૯ લાખ કિંમતનો નકલી કોસ્મેટિક્સનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી મુજબ, વકીલ નાગેશ્વર કુમ્હાર નામના વ્યક્તિએ જાણીતી કોસ્મેટિક્સ કંપનીઓના નામે બજારમાં નકલી પ્રોડક્ટ્સ વેચાતી હોવાની લેખિત ફરિયાદ પોલીસને આપી હતી. ફરિયાદ મુજબ, ““GOOD VIBES” અને “DERMDOC HONEST SCIENCE”” જેવી જાણીતી કંપનીઓના નામ અને પેકેજિંગની નકલ કરી બજારમાં તથા ઓનલાઈન પ્લેટફોર્મ પર નકલી કોસ્મેટિક્સ વેચવામાં આવી રહી હતી.
બનાવટી લેબલ, પેકિંગ અને બ્રાન્ડ નામનો ઉપયોગ કરતો
ફરિયાદના આધારે પોલીસે ફરિયાદી વકીલને સાથે રાખીને ગોડાદરાના મણિભદ્ર કેમ્પસ ખાતે આવેલી એક દુકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે GORAVIBES Vitamin C Face Serum, DERMDOC Honest Science 10% Niacinamide Face Serum, ૧૦% તેમજ Glycolic Acid સંબંધિત અનેક નકલી કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સ મોટી સંખ્યામાં ઝડપી લીધી હતી. જેની તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ દુકાન માત્ર વેચાણ માટે નહીં પરંતુ નકલી કોસ્મેટિક્સ બનાવવાના કારખાના તરીકે પણ ઉપયોગમાં લેવામાં આવી રહી હતી.
વધુમાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી હિતેશ ભરત કાતરિયા છેલ્લા આઠ મહિનાથી ભાડાની દુકાન રાખીને નકલી કોસ્મેટિક્સનું ઉત્પાદન કરતો હોવાનું ખુલ્યું છે. જે બનાવટી લેબલ, પેકિંગ અને બ્રાન્ડ નામનો ઉપયોગ કરી તે આ પ્રોડક્ટ્સને મૂળ કિંમતથી અડધી કિંમતે ઓનલાઈન વેચાણ કરતો હતો, જેથી ગ્રાહકો સહેલાઈથી છેતરાઈ જાય.
સમગ્ર મામલે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, નકલી કોસ્મેટિક્સ માત્ર આર્થિક છેતરપિંડી નથી, પરંતુ તે લોકોના સ્વાસ્થ્ય માટે પણ ગંભીર જોખમ ઊભું કરે છે. આવા પ્રોડક્ટ્સમાં વપરાતા કેમિકલ્સ અને ઘટકો ગુણવત્તાવાળા ન હોવાના કારણે ત્વચા સંબંધિત ગંભીર સમસ્યાઓ થવાની શક્યતા રહે છે.
હાલ આ મામલે પોલીસે મુખ્ય આરોપી હિતેશ ભરત કાતરિયાની ધરપકડ કરી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આ નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં, તેમજ ઓનલાઈન વેચાણ માટે કયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવતો હતો તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોસ્મેટિક્સ જેવી દૈનિક ઉપયોગની વસ્તુઓ ખરીદતી વખતે સાવચેત રહે અને શંકાસ્પદ રીતે સસ્તી કિંમતે મળતી બ્રાન્ડેડ પ્રોડક્ટ્સથી દૂર રહે.