Last Updated on by Sampurna Samachar
ED એ કેરળ અને તમિલનાડુમાં ૧૭ અલગ અલગ જગ્યાઓ પર રેડ
ED ની આ કાર્યવાહી હાલ દેશમાં ચર્ચાનું કેન્દ્ર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભૂટાનથી લક્ઝરી કાર્સની તસ્કરીનો મામલો હવે ગંભીર બનતો જઈ રહ્યો છે. ED એ કેરળ અને તમિલનાડુમાં ૧૭ અલગ અલગ જગ્યાઓ પર રેડ કરી હતી. આ રેડમાં મલયાલમ ફિલ્મોના પ્રખ્યાત એક્ટર મમૂટી, તેમનો પુત્ર દુલકર સલમાન, એક્ટર પૃથ્વીરાજ સુકુમારન અને અમિત ચકલક્કલના ઘર શામેલ છે. ED ના જણાવ્યા પ્રમાણે આ કાર્યવાહી વિદેશી મુદ્રા પ્રબંધન કાયદાના ઉલ્લંઘન સાથે જોડાયેલી છે. જોકે ED ની આ કાર્યવાહી હાલ દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.
મમૂટીના ઘરે એલમકુલમમાં, દુલકરના કોચ્ચિ અને ચેન્નઈવાળા ઘરમાં, પૃથ્વીરાજના નિવાસ અને અમિતના કદવંથરા સ્થિત આવેલા ઘરોમાં આ રેડ કરવામાં આવી છે. આ સિવાય પાંચ જિલ્લામાં કાર ડિલરોના ત્યાં તપાસ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે ઘણા લોકો ભૂટાન અને નેપાળના રસ્તેથી મોંઘી કારો ભારતમાં ગેરકાયદેસર લાવી રહ્યા છે.
અન્ય મોંઘી કાર્સના માલિકોની તપાસ થઈ શકે
આ કારોમાં ટોયોટા લેન્ડ ક્રૂઝર અને લેન્ડ રોવર ડિફેન્ડર જેવી મોંઘી ગાડીઓ શામેલ છે. આરોપ છે કે આ કાર્સના ફરજી દસ્તાવેજ પણ બનાવવામાં આવ્યા છે. જેમાં ભારતીય સેના, અમેરિકી દૂતાવાસ અને વિદેશ મંત્રાલયના નામથી નકલી કાગળો શામેલ છે. આ નકલી દસ્તાવેજોની મદદથી કાર્સને અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને અન્ય રાજ્યોમાં ખોટી રીતે રજિસ્ટર કરવામાં આવી. બાદમાં આ કાર્સ સેલિબ્રિટી સહિત અનેક લોકોને ઓછા ભાવમાં વેચી દેવામાં આવતી હતી.
આ કાર્યવાહી ત્યારે થઈ જ્યારે કેરળ હાઈકોર્ટે દુલકરની જપ્ત કરેલી કાર માટે ભારતીય કસ્ટમ વિભાગને સંપર્ક કરવાની પરવાનગી આપવામાં આવી હતી. કોર્ટે કસ્ટમ વિભાગને આદેશ આપ્યો કે દુલકર તરફથી યોગ્ય કાગળ અને સિક્યોરિટી જમા કરવાને લઈને એક સપ્તાહમાં કારને રિલીઝ કરવાનો વિચાર કરવામાં આવે.
કોર્ટમાં દુલકરના વકીલે જણાવ્યું કે આ કાર ૨૦૦૪માં રેડ ક્રોસ માટે કાયદાકીય રીતે આયાત કરવામાં આવી હતી અને બાદમાં કાયદેસર ખરીદવામાં આવી હતી. જાેકે કસ્ટમ વિભાગે તેમની પાસે જે જાણકારી હતી તેના આધારે કારને જપ્ત કરવાનો અધિકાર જણાવ્યો છે.
તપાસમાં સામે આવ્યું કે કેરળમાં અત્યાર સુધીમાં લગભગ આવી ૧૫૦થી વધારે ગેરકાયદેસર આયાત કરેલી કાર્સ છે. જેમાં અત્યાર સુધીમાં ૪૦ જેટલી કાર જપ્ત કરવામાં આવી છે.
દુલકરની અન્ય બે કાર્સ પણ પહેલા જપ્ત થઈ ચૂકી છે. જેના પર તેણે કોઈ આપત્તિ નહોતી જતાવી. હાઈકોર્ટ દ્વારા કસ્ટમ વિભાગને પૂછવામાં આવ્યું કે તેઓ કાર માલિકોની પૂરી જાણકારી અને નકલી રજિસ્ટ્રેશનના પુરાવા ક્યારે કેવી રીતે આપશે.
ઉલ્લેખનીય છે કે હવે આ મામલે દુલકરની કારને રિલીઝ કરવાની માગ કસ્ટમ વિભાગ સ્વીકારે છે કે નહીં તે જોવું રહ્યું. જોકે હવે ED ની તપાસ આગળ વધારે થવાની સંભાવના છે. જેને કારણે હજુ અન્ય મોંઘી કાર્સના માલિકોની તપાસ થઈ શકે છે.