Last Updated on by Sampurna Samachar
આંતરડા અંદરથી એકબીજા સાથે ચોંટી ગયા ને કાણાં પડી ગયા
ઘરના પૌષ્ટિક આહારને બદલે અનેક વાર ફાસ્ટ ફૂડ ખાતી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અત્યાર સમયમાં મોટાભાગે લોકો ફાસ્ટ ફૂડનુ સેવન રોજીંદા જીવનમાં કરે છે. જ્યાં કેટલીકવાર ફાસ્ટ ફૂડ જીવલેણ સાબિત થઇ શકે છે. તેવો કિસ્સો ઉત્તર પ્રદેશમાંથી સામે આવ્યો છે.

વાત કરીએ તો ઉત્તર પ્રદેશના અમરોહામાં આવી જ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ૧૬ વર્ષની વિદ્યાર્થિનીનું ફાસ્ટ ફૂડના વધુ પડતા સેવનને કારણે કરુણ મૃત્યુ થયું છે. ચાઉમીન, મેગી, પિઝા અને બર્ગર પ્રત્યેના તેના અત્યંત શોખને કારણે તેના આંતરડામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જે અંતે તેના મૃત્યુનું કારણ બની હતી.
રાત્રે અચાનક તબિયત બગડી ને હદય બંધ પડી ગયું
મળતી માહિતી અનુસાર ખેડૂત મન્સૂર ખાનની સૌથી નાની પુત્રી આહના ૧૧મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. પરિવારમાં તેની માતા સારા ખાન, એક ભાઈ અને બે બહેનો છે. આખા પરિવારમાં સૌથી નાની હોવાથી તે સૌની લાડકી હતી, પરંતુ તેની એક જીદ આજે પરિવાર માટે આજીવનનું દુ:ખ બની ગઈ છે.
પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, આહનાને બહારનું ખાવાની ખૂબ જ ખરાબ આદત હતી. ઘરે બનાવેલા પૌષ્ટિક ખોરાકને બદલે તે અવારનવાર મેગી, ચાઉમીન, પિઝા અને બર્ગર જેવા જંક ફૂડની માંગ કરતી હતી. ઘરના સભ્યોએ તેને અનેકવાર સમજાવી અને ના પાડી હતી, તેમ છતાં તેણે આ આદત છોડી નહોતી. લાંબા સમય સુધી આવા મેંદાવાળા અને મસાલેદાર ખોરાકના સેવનથી તેના પાચનતંત્ર પર ખૂબ જ ખરાબ અસર પડી હતી.
સપ્ટેમ્બર મહિનાથી આહનાની તબિયત બગડવાની શરૂઆત થઈ હતી. તેને વારંવાર પેટમાં અસહ્ય દુખાવો થતો હતો. ૩૦ નવેમ્બરના રોજ જ્યારે દુખાવો સહન શક્તિની બહાર ગયો, ત્યારે પરિવાર તેને મુરાદાબાદની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયો હતો. ત્યાંના ડોકટરોએ જ્યારે તપાસ કરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
રિપોર્ટ્સમાં જાણવા મળ્યું કે, આહનાના આંતરડા અંદરથી એકબીજા સાથે ચોંટી ગયા હતા અને તેમાં અનેક જગ્યાએ નાના-નાના કાણા પડી ગયા હતા.ડોકટરોએ જણાવ્યું હતું કે, આંતરડાની આ હાલત પાછળનું મુખ્ય કારણ ફાસ્ટ ફૂડનું અતિશય સેવન અને મેંદાનો જમાવડો હતો. મુરાદાબાદમાં તેની એક જટિલ સર્જરી કરવામાં આવી, જે સફળ રહી હતી. ૧૦ દિવસ બાદ તેને રજા આપવામાં આવી હતી, પરંતુ તેની સ્થિતિમાં જોઈએ તેવો સુધારો થયો નહીં.
ચાર દિવસ પહેલા આહનાની તબિયત ફરીથી લથડી હતી. ગંભીર પરિસ્થિતિને જોતા પરિવાર તેને તાત્કાલિક દિલ્હીની પ્રખ્યાત એઈમ્સ હોસ્પિટલમાં લઈ ગયો હતો. ત્યાં સારવાર દરમિયાન થોડો સુધારો પણ જોવા મળ્યો હતો અને આહના હરતી-ફરતી પણ થઈ હતી. પરંતુ રાત્રે અચાનક તેની હાલત કથળી અને હૃદય બંધ પડી જવાથી તેનું મૃત્યુ થયું હતું.
આહનાના મામા ગુલઝાર ખાને ભીની આંખે જણાવ્યું કે, ડોકટરોએ પુષ્ટિ કરી છે કે, આંતરડામાં થયેલું નુકસાન માત્ર અને માત્ર બહારના ખોરાકને કારણે હતું. એક હસતી-રમતી દીકરીના અકાળે અવસાનથી સમગ્ર અમરોહામાં શોકની લહેર છે અને આ ઘટનાએ વાલીઓ માટે ગંભીર ચેતવણી આપી છે. આ ઘટના આપણને સમજાવે છે કે, સ્વાદ માટે લેવામાં આવતો ખોરાક જો સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે તો તે ઝેર સમાન છે. ખાસ કરીને કિશોરાવસ્થામાં બાળકોને ઘરના પૌષ્ટિક આહારનું મહત્વ સમજાવવું અનિવાર્ય છે, જેથી ફરી કોઈ આહના ફાસ્ટ ફૂડનો ભોગ ન બને.