ભાજપ સરકારે વિધાર્થીઓના સપનાને આવકનું સાધન બનાવી દીધું
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પરીક્ષાના ફોર્મ પર GST વસૂલવા મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે, ‘કેન્દ્ર સરકાર પરીક્ષાનું ફોર્મ પર GST વસૂલી રહી છે. જે માતા-પિતાએ પોતાના બાળકોની પરીક્ષાની તૈયારી માટે એક-એક પૈસા બચાવ્યા હતા, તેઓના સપનાને કેન્દ્ર સરકારે આવકના સોર્સમાં બદલી નાખ્યો છે.’
કેરળની વાયનાડ બેઠકના સાંસદ પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા X પર સુલ્તાનપુરના કલ્યાણ સિંહ સુપર સ્પેશિયાલિટી કેન્સર ઈન્ટીટ્યૂટનું પરીક્ષા ફોર્મ શેર કર્યું છે, જેમાં પરીક્ષાના ફોર્મ પર ૧૮ ટકા GST નાખ્યું હોવાનું જોવા મળી રહ્યું છે.
તેમણે એક્સ પર પોસ્ટમાં લખ્યું છે કે, ‘ભાજપ યુવાઓને નોકરી આપી શકતી નથી, પરંતુ પરીક્ષાના ફોર્મ પર ૧૮ ટકા GST લગાવી તેમના ઘા પર મીઠું ભભરાવવાનું કામ શરૂ કરી રહી છે. અગ્નિવીર સહિત તમામ સરકારી નોકરીના ફૉર્મ પર GST લગાવવામાં આવી રહ્યો છે. જો ફોર્મ ભર્યા બાદ સરકારની નિષ્ફળતા અથવા ભ્રષ્ટાચારના કારણે પેપર લીક થાય તો યુવાઓના નાણાં બરબાદ થઈ જાય છે.’ તેમણે સરકાર પર આકરા પ્રહારો કરી કહ્યું કે, ‘માતા-પિતા પોતાના બાળકના ભણતર માટે અને પરીક્ષાની તૈયારી માટે એક-એક પૈસા બચાવે છે, પરંતુ ભાજપ સરકારે તેમના સપનાને આવકનું સાધન બનાવી દીધું છે.