Last Updated on by Sampurna Samachar
૩.૭૫ લાખ ભારતીયો સુરક્ષિત પરત આવ્યા : મોદી
મેં પોતે અનેક દેશોના વડા સાથે વાત કરી છે, તેમણે દરેક ભારતીયોની સુરક્ષાની ખાતરી આપી છે : વડાપ્રધાન મોદી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમવારે લોકસભામાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તેનાથી ઉભરેલા સંકટ વિશે વાત કરી. તેમણે કહ્યું કે, “આજે હું પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને તેના કારણે ભારતમાં ઉદભવેલી પરિસ્થિતિ પર ચર્ચા કરવા આવ્યો છું. આની લોકોના જીવન પર વિપરીત અસર પડી રહી છે.” પીએમ મોદીએ કહ્યું, “જે વિસ્તારમાં યુદ્ધ ચાલી રહ્યું છે, તે વિશ્વની ક્રૂડ ઓઈલ અને ગેસની જરૂરિયાતોનો મોટો ભાગ પૂરો પાડે છે.

કરોડો ભારતીય ખાડી દેશોમાં રહે છે અને ત્યાં કામ કરે છે. ત્યાં જતા જહાજોમાં મોટી સંખ્યામાં ભારતીય ક્રૂ સભ્યો હોય છે. પરિણામે, આપણી ચિંતા સ્વાભાવિક છે, તેથી આ સંસદમાંથી એકમત અને એકજૂટ અવાજ વિશ્વ સુધી પહોંચવો જોઈએ.”
છેલ્લા ૧૧ વર્ષમાં ભારતે પોતાના ક્રૂડ ઓઇલ ઈમ્પોર્ટનું વિવિધીકરણ કર્યું
લોકસભામાં પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ‘આ યુદ્ધ શરૂ થયું ત્યારથી જ દરેક ભારતીયોને દરેક જરૂરી મદદ આપવામાં આવી રહી છે. મેં પોતે અનેક દેશોના વડા સાથે વાત કરી છે, તેમણે દરેક ભારતીયોની સુરક્ષાની ખાતરી આપી છે. દુર્ભાગ્યે આ દરમિયાન કેટલાક લોકોનું દુ:ખદ મૃત્યુ થયું છે. કેટલાક ઈજાગ્રસ્ત પણ થયા છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પરિવારજનોને જરૂરી મદદ આપવામાં આવી રહી છે.
જે ઈજાગ્રસ્ત થયા છે, તેમની સારી સારવાર સુનિશ્ચિત કરાવવામાં આવી રહી છે. પ્રભાવિત દેશોમાં આપણા જેટલા પણ મિશન છે, તે સતત ભારતીયોની મદદ કરવામાં લાગેલા છે. ભારત અને અન્ય દેશોમાં ૨૪ઠ૭ હેલ્પલાઇન કાર્યરત છે, જેના દ્વારા મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી રહી છે.’
પીએમ મોદીએ કહ્યું કે, સંકટની આ સ્થિતિમાં દેશ-વિદેશમાં રહેતા ભારતીયોની સુરક્ષા અમારી ખૂબ મોટી પ્રાથમિકતા રહી છે. યુદ્ધ શરૂ થયા પછીથી લઈને અત્યાર સુધી ૩ લાખ ૭૫ હજારથી વધુ ભારતીયોને સુરક્ષિત પરત લાવવામાં આવ્યા છે. ઈરાનમાંથી જ અત્યાર સુધીમાં લગભગ ૧૦૦૦ ભારતીયો સુરક્ષિત પરત ફર્યા છે. આમાંથી ૭૦૦થી વધુ મેડિકલનો અભ્યાસ કરતા યુવાનો છે. ખાડી દેશોમાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.’
ક્રૂડ ઓઈલને લઈને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, છેલ્લા ૧૧ વર્ષમાં ભારતે પોતાના ક્રૂડ ઓઇલ ઈમ્પોર્ટનું વિવિધીકરણ કર્યું છે. અગાઉ ૨૭ દેશોમાંથી ઈમ્પોર્ટ થતું હતું, આજે ૪૧ દેશોમાંથી ઈમ્પોર્ટ થાય રહી છે. અમારી રિફાઇનિંગ ક્ષમતામાં પણ વધારો થયો છે. અમારી પાસે ૫૩ લાખ મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ રિઝર્વ છે. અમારું લક્ષ્ય ૬૫ લાખ મેટ્રિક ટનનું છે. અમારો પ્રયાસ છે કે દરેક જરૂરી સામગ્રી સાથે જોડાયેલા જહાજ સુરક્ષિત રીતે ભારત પહોંચે. અમે દરેક પક્ષ સાથે સંવાદ કરી રહ્યા છીએ. આવા પ્રયાસોને કારણે હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા અમારા અનેક જહાજ ભારત આવી પણ ગયા છે.