Last Updated on by Sampurna Samachar
૨ જહાજથી LPG સંકટ ટળવાનું નથી, દર મહિને જોઈએ ૨૯ ટેન્કર
LPGના વપરાશમાં છેલ્લા ૨૦ વર્ષમાં થયો મોટો ઉછાળો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતમાં LPGની સતત વધતી જતી માંગ વચ્ચે એક મોટો પડકાર સામે આવ્યો છે. દેશમાં એલપીજીના ઉત્પાદનમાં ગમે તેટલો વધારો કરવામાં આવે તેમ છતાં ભારતની આયાત પરની ર્નિભરતા યથાવત્ રહેશે તેવું જણાઈ રહ્યું છે. એક અંદાજ મુજબ, જો ઘરેલું ઉત્પાદનમાં ૫૦% જેટલો મોટો વધારો થાય, તો પણ ભારતને પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે દર મહિને આશરે ૨૯થી ૩૪ જેટલા એલપીજી ટેન્કર વિદેશથી મંગાવવા પડશે.

સરકારના આંકડા દર્શાવે છે કે નાણાકીય વર્ષ ૨૦૨૭ સુધીમાં દેશમાં ગેસની માંગ દર મહિને ૨.૯ મિલિયન ટન સુધી પહોંચી શકે છે, જેની સામે ઉત્પાદન વધવા છતાં પણ મોટી ઘટ રહેવાની શક્યતા છે.છેલ્લા બે દાયકાના આંકડાઓ પર નજર કરીએ તો ભારતમાં એલપીજીના વપરાશમાં અધધ વધારો થયો છે. વર્ષ ૧૯૯૮-૯૯માં જ્યાં દર મહિને માત્ર ૫.૩૫ લાખ ટન ગેસ વપરાતો હતો, ત્યાં હવે તે વધીને ૩.૧૩ મિલિયન ટનથી વધુ થઈ ગયો છે.
ઘરે-ઘરે ગેસ જોડાણ પહોંચાડવાના પ્રયાસો મુખ્ય કારણ
આ ઉછાળા પાછળ પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના જેવી સરકારી યોજનાઓ અને ઘરે-ઘરે ગેસ જોડાણ પહોંચાડવાના પ્રયાસો મુખ્ય કારણ છે. જોકે, જે ઝડપે વપરાશ વધ્યો છે તેટલી ઝડપે સ્થાનિક ઉત્પાદન વધી શક્યું નથી, જેના કારણે આયાત પરનો બોજ વધતો જઈ રહ્યો છે.
વર્તમાન સ્થિતિમાં ભારત તેના એલપીજી પુરવઠા માટે મુખ્યત્વે યુએઈ, કતાર, સાઉદી અરેબિયા અને કુવૈત જેવા પશ્ચિમ એશિયાના દેશો પર ર્નિભર છે. આ ર્નિભરતાને કારણે ભૌગોલિક-રાજકીય જોખમો પણ વધી જાય છે. જો આ દેશોમાં કોઈ અસ્થિરતા સર્જાય તો ભારતની સપ્લાય ચેઇન ખોરવાઈ શકે છે.આ જોખમને ઓછું કરવા માટે હવે ભારત અમેરિકા, કેનેડા અને અલ્જેરિયા જેવા અન્ય દેશો પાસેથી પણ ગેસ મેળવવાના વિકલ્પો વિચારી રહ્યું છે, જેથી દેશમાં એલપીજીનો પુરવઠો સુરક્ષિત અને સ્થિર જળવાઈ રહે.